- જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા એક હજારને પાર
- ગુરુવારે વધુ 87 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી
- આરોગ્ય વિભાગના ચોપડે ગુરુવારે વધુ એક મોત નોંધાયું
નવસારી : જિલ્લામાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોનાના કેસોમાં ગુરુવારે વધુ 128 લોકોનો ઉમેરો થયો હતો. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોનાના દર્દીઓની સંખ્યા 1003 થઈ છે. આરોગ્ય વિભાગના ચોપડે ગુરુવારે વધુ એક દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 2559 લોકોએ કોરોનાને હરાવ્યો
નવસારી જિલ્લામાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે. રોજના કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ગુરુવારે નવસારી જિલ્લામાં નવા 128 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. તેની સાથે જ જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓ 1003 થયા છે. બીજી તરફ જિલ્લામાં ગુરુવારે 87 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ગુરુવારે ચીખલીના 45 વર્ષીય યુવાનનું કોરોનાને કારણે મોત નોંધાયુ હતુ.
આ પણ વાંચો : પાટણમાં મિની લૉકડાઉનમાં પણ બજારમાં લોકોની હાજરી જોવા મળી
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3675 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
નવસારી જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ એપ્રિલ 2020 હાંસાપોર ગામે નોંધાયો હતો. એક વર્ષ દરમિયાન જિલ્લામાં જ્યાં એક સમયે કોરોના ગાયબ થઇ ગયો હતો, ત્યાં ફરી એપ્રિલ મહિનામાં કોરોનાના કેસો એટલા વધ્યા છે કે હોસ્પિટલોમાં જગ્યા નથી અને સામાજિક સ્તરે આઇસોલેશન સેન્ટરો ઉભા કરવાની જરૂર પડી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં આરોગ્ય વિભાગના ચોપડે કુલ 3675 કેસો નોંધાયા છે. જેની સામે 2559 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કુલ 113 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
વધતા કોરોનાના કેસોને અટકાવવા જનજાગૃતિ જરૂરી
નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ જરૂરી છે. લોકોએ પોતે જ સજાગ બની મોઢે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી બન્યું છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં સામાજિક દ્રષ્ટિએ કે ગ્રામ્ય સ્તરે કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી. જેના કારણે કોરોના ફેલાવનારા સુપર સ્પ્રેડરોની સંખ્યા પણ વધી રહી છે. જેથી જિલ્લામાં લોકોને ઢંઢોળીને જાગૃત કરવાના પ્રયાસો થાય એ જ સમયની માંગ છે.