- લઘુત્તમ તાપમાન 10 ડીગ્રી નોંધાતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો
- ઠંડી વધતા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં લોકોએ લીધો તાપણાનો સહારો
- છેલ્લા 10 વર્ષોમાં ડિસેમ્બર મહિનામાં પારો 10 ડીગ્રી સુધી નથી પહોંચ્યો
નવસારી: કમોસમી માવઠા બાદ નવસારીના વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી આસપાસ રહ્યુ હતુ, જે આજે મંગળવારે સીધુ 6 ડીગ્રી નીચે ગગડીને 10 ડીગ્રીએ પહોંચતા નવસારીવાસીઓએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ સાથે જ મંગળવાર મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જયારે ગત 10 વર્ષોમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો 10 ડીગ્રી સુધી પહોંચ્યો ન હતો, જેથી સૌથી ઠંડો ડિસેમ્બર ગણાયો હતો.
લઘુત્તમ તાપમાન 10 ડીગ્રીએ પહોંચતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા
નવસારીમાં ધીમી ગતિએ શરૂ થયેલો શિયાળામાં લોકો ઠંડીમાં લોકો ધ્રુજી રહ્યા છે. ગત દિવસોમાં કમોસમી માવઠા બાદ ડિસેમ્બરમાં ઠંડી થોડી ઘટી હતી અને તાપમાનનો પારો 20 ડીગ્રી સુધી રહ્યો હતો. પરંતુ માવઠા બાદ શિયાળાની શરૂઆત થઇ હોય એવી સ્થિતિ બની છે, જેમાં ગત દિવસોમાં 15 થી 16 ડીગ્રીની આસ-પાસ લઘુત્તમ તાપમાનનો પારો રહેતા નવસારીવાસીઓએ સવારે ફૂલ ગુલાબી ઠંડી અનુભવી હતી. જોકે મંગળવારે અચાનક તાપમાનમાં બદલાવ જોવા મળ્યો અને ઠંડીનો પારો એક-બે નહી પણ ૬ ડીગ્રી ગગડીને 10 ડીગ્રીએ પહોંચતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવી હતી. જયારે મહત્તમ તાપમાન 31 ડીગ્રી નોંધાયુ હતુ. સવારે હવામાં 85 ટકા ભેજ રહેતા ઝાંકળ પણ હતો, જે બપોરે ઘટીને 48 ટકા ભેજ રહ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન પવનની ગતિ ઉત્તર-પશ્ચિમ દિશાએથી 3.8 કિમી/પ્રતિ કલાકની રહી હતી. જેને કારણે રાત્રી દરમિયાન તેમજ સવારે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં લોકો તાપણાના સહારે અથવા ગરમ ઉની વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.
વર્ષ | તાપમાન |
2010 | 14.6 |
2011 | 16.5 |
2012 | 14.6 |
2013 | 13.0 |
2014 | 14.0 |
2015 | 13.5 |
2016 | 11.0 |
2017 | 15.7 |
2018 | 10.5 |
2019 | 15.2 |
2020 | 10.2 |
વધતી ઠંડીને કારણે કેરીનાં પાકને નુકસાનીની ભીતિ
ગત દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકો સહિત શાકભાજી અને કઠોળ પાકોમાં રોગ જીવાત પડવાની સંભાવના વધી હતી. જોકે શિયાળો શરૂ થતા જ આંબાવાડીઓમાં આમ્ર મંજરીઓ આવતી હોય છે, પરંતુ વધુ પડતી ઠંડી આમ્ર મંજરીઓ માટે ફાયદાકારક નથી રહેતી. જેના કારણે આમ્ર મંજરી કાળી પડી ખરી પડવાની સંભાવના વધે છે, જેથી કેરીના ઉત્પાદન પર પણ અસર જોવા મળશે.