નવસારી: મધદરિયે ફિશિંગ કરવા ગયેલા સ્થાનિક માછીમારોએ 29 સપ્ટેમ્બરના રોજ સુરતના ડુમ્મસ દરિયા કિનારેથી તણાયેલા 14 વર્ષીય બાળકનું દિલધડક રેસ્ક્યુ કરી મોતના મુખમાંથી બચાવ્યો હતો.
સુરતથી તણાઈને બાળક નવસારી પહોંચ્યો: 29 તારીખના રોજ 14 વર્ષીય લખન સુરત ડુમસના દરિયાકાંઠે મિત્રો જોડે ફરવા માટે ગયો હતો. જ્યાં અન્ય મિત્રો જોડે દરિયામાં નહાતી વખતે તે પાણીના વહેણમાં તણાયો હતો. જેની જાણ સ્થાનિક ફાયર વિભાગની ટીમને થતાં તેમણે શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ બાળક મળી આવ્યો ન હતો. તે દરમિયાન આ બાળક ડુમસ દરિયાકિનારેથી 18 નોટિકલ માઈલ ( 22 કિલોમીટર) પાણીમાં તણાઈ નવસારી નજીક આવ્યો હતો.
ગણેશ પ્રતિમાએ બચાવ્યો જીવ: ફિશિંગ માટે ગયેલા સ્થાનિક માછીમારોની બોટની નજર દરિયામાં વિસર્જન થયેલી ગણેશ પ્રતિમાની લાકડાની ફ્રેમના સહારે મોત સામે ઝઝુમતા બાળક ઉપર પડી હતી. જેથી તેઓએ તાત્કાલિક આ બાળકને માછીમારીના ઉપયોગમાં લેવાતી માછલી પકડવાની જાળના સહારે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બોટના માછીમારો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ધોળાઈ બંદર ખાતે પહોંચી હતી. બાળકને કિનારે લાવતા જ મેડિકલ ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. 36 કલાક મોત સામે ઝઝુમેલો બાળક પરત હેમખેમ મળતા પરિવારે માછીમાર અને પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
'સુરતના ડુમસના દરિયા કિનારેથી બાળક પાણીમાં તણાઈ નવસારી તરફ આવ્યો હતો. જેમાં મધદરિયે ફિશિંગ કરવા ગયેલી બોટના માછીમારોએ આ બાળકનું રેસ્ક્યુ કરી પોલીસને જાણ કરી હતી. મેડિકલ મેડિકલ ટીમના ડોક્ટરો દ્વારા બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જેમાં બાળક હાલ સ્વસ્થ છે અને અન્ય ટેસ્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.' - સુશીલ અગ્રવાલ, પોલીસ વડા, નવસારી