- કોરોનામાંથી સાજા થયા બાદ હૃદયરોગના હુમલાથી થયું નિધન
- ગત ટર્મમાં જિલ્લા પંચાયતમાં સિંચાઇ સમિતિના અધ્યક્ષ રહ્યા હતા
- અવસાનથી ભાજપીઓમાં શોકની લાગણી
નવસારી: ચીખલી તાલુકાના રૂમલા ગામના વતની અને નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ નગીન ગાવિત 15 દિવસ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. જેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા, જ્યાં સારવાર બાદ બે દિવસ અગાઉ તેમને રજા આપવામાં આવી હતી પરંતુ આજે અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવતા, નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ રસ્તામાં તેમનું અકાળ અવસાન થયું હતું. નગીન ગાવિતના નિધનની વાત સાંભળી ચીખલી, ખેરગામ સહિત જિલ્લા ભાજપમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્યારે તેમની અંતિમયાત્રામાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત ભાજપી આગેવાનો જોડાયા હતા.
વધુ વાંચો: મહેસાણા નગરપાલિકાના નગરસેવિકાનું કોરોનાની બીમારીમાં નિધન
જિલ્લા પંચાયતમાં બે ટર્મ ચુંટાયા હતા નગીન ગાવિત
રૂમલા નિવાસી નગીન ગાવિત ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તા રહેવા સાથે જ બે ટર્મથી નવસારી જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં ગત ટર્મમાં તેમણે સિંચાઇ સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી નિભાવી હતી. જેમાં નવસારીના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના અંતરીયાળ ગામોમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટેના પ્રયાસો કર્યા હતા. જે કામગીરીને ધ્યાને લઇ તેમના વિસ્તારના મતદારોએ તેમને ફરી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટી કાઢયા હતા અને હાલમાં તેમની જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ પદે નિયુક્તિ આપવામાં આવી હતી. જેની સાથે જ તેઓ ચીખલી APMCના ચાર વર્ષથી પ્રમુખ હતા. નગીન ગાવિતના અવસાનથી ભાજપે આદિવાસી વિસ્તારના એક કર્મઠ આગેવાનને ખોયા છે.
વધુ વાંચો: કોરોના કાળમાં અમદાવાદીઓની સેવામાં ભાજપનું સ્થાન ક્યાં?