નવસારીઃ જિલ્લામાં ગુનાખોરી સતત વધી રહી છે. ત્યારે હવે અહીં મહિલાઓના ગળામાંથી ચેન ખેંચી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના સામે આવી છે નવસારીને અડીને આવેલા હાઈવે પર. અહીં નેશનલ હાઈવે નંબર 48 પર ધોળાપીપળા નજીક સુરતથી નવસારી બાઈક પર એક મહિલા પોતાના પતિ સાથે જઈ રહી હતી. તે દરમિયાન તસ્કરો તેમના ગળામાંથી ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા.
નેશનલ હાઈવે પર બની ઘટનાઃ મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપુરની શિવગંગા સોસાયટીમાં 50 વર્ષીય રંજનબેન મનસુખભાઈ પાઘદાળ રહેે છે. તેઓ પારિવારિક કામને લઈને સુરત રહેતા પોતાના ભાઈને મળીને પરત આવી રહ્યા હતા. તે દરમિયાન 9 વાગ્યાની આસપાસ તેઓ નવસારીને અડીને આવેલા નેશનલ હાઈવે નંબર 48 પરના ધોળા પીપળા પાસે પહોંચ્યા હતા. ત્યારે જ એક બાઈક પર સવાર 2 તસ્કરો આવ્યા ને મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
મહિલા કોમામાં સરી પડ્યાંઃ જોકે, મહિલાએ પોતાની ચેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના કારણે તેમના પતિએ બાઈક પરનો કાબૂ ગુમાવતાં બંને નીચે પટકાયાં હતાં. એટલે રંજનબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, અત્યારે રંજનબેન કોમામાં સરી પડ્યાં છે.
તસ્કરોને પકડવા ચક્રો ગતિમાનઃ આ સમગ્ર ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી તરફ ગ્રામ્ય પોલીસે આ અજાણ્યા ચેન સ્નેચરોને પકડવા હાઈવે પર આવેલી હોટેલો કે ઘર પાસે લાગેલા સીસીટીવીની મદદ લઈ એના ફૂટેજ મેળવી આ ચેન સ્નેચરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Chain snatching: રસ્તે જતા રાહદારીઓની ચેઇન સ્નેચિંગ કરનારા બે આરોપીઓ ઝડપાયા
આવા ગુના વધી રહ્યા છેઃ મહિલાઓના ગળામાંથી ચેન આંચકી લૂંટ કરવાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ પ્રકારના ગુના કરવા માટે ચેઈન સ્નેચરો શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રેકી કરી વૃદ્ધ અને મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે. કારણ કે, સોસાયટીમાં અવરજવર ઓછી હોય એટલે તેમને ભાગવામાં મોકળું મેદાન મળતું હોય છે, પરંતુ આવા ચેન સ્નેચરો હવે હાઈવે જેવા વાહનોથી ધમધમતા વિસ્તારોમાં પણ મહિલાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે