નવસારી : નવસારીના તીઘરા નજીક રહેતાં સાધનાબહેન સાગર તેમના પરિવાર સાથે બજાર ગયાં હતાં અને ત્યાંથી પરત ઘરે જતી વખતે તેમની કારમાંથી પેટ્રોલ લીકેજ થતાં તેઓ લુન્સીકુઈ નજીકથી પરત ગેરેજ તરફ જઈ રહ્યાં હતાં તે દરમિયાન ટેક્નિકલ હાઈસ્કૂલ પાસે અચાનક શોર્ટસર્કિટ થતાં કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગી ત્યારે તેમાં ચાર મહિલાઓ હતી. આગનો તણખો થતાં જ આ ચારેય મહિલાઓએ સાવધાની વરતી તરત કારમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો.
કારમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં જ કારમાં સવાર સાધનાબહેન તેમની દીકરી, ભાણેજ તેમ જ અન્ય એક મહિલા મળી ચાર લોકો તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી ગયાં હતાં. તેમની સમયસૂચકતાને લઇને તેમનો જીવ બચી ગયો હતો.
જ્યારે કારમાંથી પેટ્રોલ લીકેજ થતું હોવાથી આગે ભડકો લેતાં રસ્તા પર અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાને લઇ વિસ્તારમાં ભીડ ભેગી થઈ ગઈ હતી અને કોઈએ નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાઇટર સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. તાત્કાલિક પાણીનો મારો ચલાવી અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં કારમાં વાયરિંગ બળીને ખાક થયું હતું.