ગુજરાતે 2014ની ચૂંટણીની જેમ 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો ચરણે ધરી છે. છેલ્લા 3-4 દિવસથી સચિવાલયમાં એવી અટકળો ચાલી રહી હતી કે, ગુજરાતમાંથી 3 થી 4 સાંસદોને મંત્રી બનાવાશે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના જે 3 સાંસદોને મંત્રી બનાવાયા છે તેમાંથી માત્ર અમિત શાહ જ લોકસભાની ચૂંટણી લડ્યા છે. જ્યારે બાકીના 2 મંત્રી રાજ્યસભાના સાંસદ છે. આમ ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર 1ને જ મંત્રીપદ આપવામાં આવ્યું છે.
નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી (6,89,688) જીતેલા સાંસદ છે. તેઓ સતત 3જી વખત ચૂંટાયા છે. ભાજપના નેતાઓમાં ચર્ચા હતી કે, આ વખતે સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી 1 સાંસદને મંત્રી બનાવાશે. પરંતુ ગુરુવારે કુલ 58 મંત્રીઓની શપથવિધિમાં ગુજરાતમાંથી કુલ 3 પંરતુ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા એક માત્ર સાંસદને મંત્રીપદ આપવામાં આવ્યું છે.
26માંથી 1 સાંસદને મંત્રીપદ અપાતા ગુજરાત ભાજપમાં અને સાંસદોમાં નિરાશા સાંપડી હતી. લોકોમાં પણ ઘણો ઉત્સાહ હતો. પરંતુ ગુજરાતના સાંસદોને ઓછું પ્રતિનિધિત્વ અપાયું હોવાની લાગણી પ્રબળ બની છે. લોકો મજાક કરી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ગુજરાતના સાંસદોને ઠેંગો બતાવ્યો છે.