નવસારી: ભારત સરકારની અતિ મહાત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ, જમીન સંપાદનને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. જેમાં નવસારી જિલ્લાના ખેડૂતોએ સ્થાનિક સ્તરેથી લઈ, ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી સરકાર સામે વળતર મુદ્દે લડત આપી છે. જેમાં વર્ષ 2013ના જમીન સંપાદનના કાયદાના નિયમનો ભંગ કરી, વળતરની જાહેરાત વિના જ જિલ્લાના 5 ગામોની જમીન સંપાદન માટે અંતિમ જાહેરનામું બહાર પડાતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોદી સરકારે જાપાનના સહકારથી અમદાવાદ-મુંબઇ સુધી ભારતની પ્રથમ હાઇસ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી છે, પરંતુ જમીન સંપાદનને લઇને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગત 2 વર્ષથી અટકી પડ્યો છે. નવસારી જિલ્લામાંથી બુલેટ ટ્રેન 28 ગામોમાંથી પસાર થશે. જેમાં 23 ગામોમાં માપણી થઈ હતી, પરંતુ 5 ગામોમાં વિરોધને પગલે મોડે સુધી માપણી થઈ નહોતી.
લોકડાઉન અગાઉ નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે માપણી પૂર્ણ કરાવી હતી. આ દરમિયાન કોરોના મહામારીમાં લોકડાઉન જાહેર થતાં અન્ય પ્રોજેક્ટો સાથે બુલેટ ટ્રેન પ્રોજેકટને પણ બ્રેક લાગી હતી, પરંતુ સરકારે અનલોક-1 જાહેર કરતાંની સાથે જિલ્લા જમીન સંપાદન અધિકારી દ્વારા આમડપોર, વેજલપોર, પરાથાણ, કેસલી અને પાટી ગામ માટે જમીન સંપાદનનું 19/1નું અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવવાથી તમામ 5 ગામોના પ્રભાવિત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ કેટલાક લોકોના માથેથી ઘરોની છત પણ જવાની છે. જેથી અસરગ્રસ્તોમાં ભારે રોષ છે.
સરકારે હજૂ સુધી ખેડૂતોને તેમની જમીનનું કેટલું વળતર મળશે, તે અંગે કોઈ પ્રકારમી માહિતી આપી નથી. આ ઉપરાંત સુરત જિલ્લાના ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું છે, પરંતુ નવસારી જિલ્લામાં વળતર મુદ્દે તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જેથી જ્યાં સુધી વળતર જાહેર નહીં થાય, ત્યાં સુધી ખેડૂતો સંપાદન સામે લડત આપવાનું મન બનાવી ચૂક્યા છે અને જો જબરદસ્તી કરવામાં આવશે, તો ખેડૂતોએ આત્મ વિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ભારત સરકારે વર્ષ 2013માં જમીન સંપાદન અંગે કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં જમીનની બજાર કિંમતના ચાર ગણા રૂપિયા વળતર પેટે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ સાથે જ 1થી 19 સેક્શન અનુસાર સંપાદન પ્રક્રિયા હાથ ધરવાની પણ જોગવાઈ હતી, પરંતુ નવસારી જિલ્લા તંત્ર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે જ પ્રભાવિત ખેડૂતોને કેટલું વળતર મળશે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, જમીન સંપાદનના 19/1ના જાહેરનામા પૂર્વે સેક્શન 13 મુજબ ખેડૂતોને જમીનનું કેટલું વળતર મળશે, તે અંગેની જાહેરાત કરવાની હોય છે, પરંતુ તંત્ર દ્વારા વળતર મુદ્દે કોઈ જાહેરાત કર્યા વિના જમીન સંપાદનનું અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી ખેડૂતો તંત્રની નીતિ રીતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેકટ સંદર્ભે જિલ્લાની જંત્રી અવાસ્તવિક હોવાના તત્કાલીન કલેક્ટરના રિપોર્ટ બાદ પણ સરકાર દ્વારા જંત્રી મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. જેને કારણે નવસારીના પ્રભાવિતોને કેટલું વળતર મળશે, એની દ્વિધાને કારણે ખેડૂતો વિરોધનો સૂર છેડી રહ્યા છે.