નવસારી : નવસારીમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારી શહેરની વાત કરવામાં આવે તો, નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને ભારે હાલાકીનો સામનો વેચવાનો વારો આવ્યો છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલા કુંભારવાડમાં વરસાદી પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા હતા.જેને લઈને વેપારીઓને મોટી નુકસાની વેચવાનો વારો આવ્યો છે.
અંતિમ વાહિની : નવસારી શહેરમાં આવેલા વેજલપુર વિસ્તારની તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તમાકર વાડી વિસ્તારમાં થયેલા મરણને પગલે મરણ જનારના પરિજનો સોસાયટીમાં પાણી વધુ હોવાથી અંતિમ વાહિની બોલાવી હતી, પરંતુ અંતિમ વાહિની સોસાયટીની અંદર પ્રવેશી શકે તેમ ન હતી. તેથી પરિજનોએ મૃતદેહને અંતિમ વાહિની સુધી લઈ જવા માટે મૃતદેહને લારીમાં મૂકીને સબ વાહિની સુધી લઈ જવાની ફરજ પડી હતી. જેનો વિડીયો કોઈ સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.
શહેર પાણી પાણી બન્યું : શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરજ થયા છે. જેને લઇને અનેક વિસ્તારોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વાહન વ્યવહાર પર પણ મોટી અસર જોવા મળી છે, જ્યારે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા શનિવારનો સમય હોય બાળકો શાળાએથી છુટા હોય તેવી સ્થિતિમાં બાળકોને ઘૂંટણસમા પાણીમાંથી વાલીઓ ઘરે લઈ જતાં જોવા મળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તાર એવા શાંતાદેવી રોડ વિસ્તાર પર ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થતાં બે કારનો ખુરદો બોલી ગયો હતો.