- ચીખલીના ધોબીવાડમાંથી 5 હજારની બાઈક ચોરી હોવાની નોંધાઈ ફરિયાદ
- પોલીસે બંને યુવાનોને શંકાના આધારે ડાંગના વઘઇથી અટક કરી હતી
- મૃતક શકમંદ યુવાનોની અટક કર્યાની પોલીસ મથકે નોંધ થઈ ન હતી
નવસારી: જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા કરનારા ડાંગના બે આદિવાસી યુવાનો સામે ગત રોજ ચીખલી પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધી તપાસ PSIને સોંપી છે. ચીખલીના ધોબીવાડમાં રહેતા અને લોન્દ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા નરેશ રાજપૂતની 5 હજાર રૂપિયાની બાઈક, જે બિનઉપયોગી હતી, જે તેમના ઘર આંગણામાંથી ચોરાઈ ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસે ગત 19 જુલાઈના રોજ ડાંગના વઘઇ ખાતે રહેતા રવિ જાધવની અટક કરી હતી અને બીજા દિવસે 20 જુલાઈના રોજ વઘઇથી સુનિલ પવારની પણ અટક કરી હતી. જેમાં 21 જુલાઈની વહેલી સવારે રવિ અને સુનિલ બંને શકમંદોએ ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં વાયર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે પહેલા ફરિયાદ નોંધી નહતી
જોકે 19 જુલાઈના રોજ ચીખલી પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ આપવા ગયેલા નરેશ રાજપૂતની પોલીસે ફરિયાદ નોંધી ન હતી, પણ PSO યોગેશ પરસોત્તમે બાઈકની માહિતી એક કાગળમાં નોંધી હતી. દરમિયાન નરેશ રાજપૂતને 21 જુલાઈના રોજ શકમંદ યુવાનોને બે ચોરીની બાઈક ચોરીની શંકામાં પકડ્યા હતા અને તેમણે પોલીસ મથકમાં જ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા ગત રોજ 23 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યે સુનિલ પવાર અને રવિ જાધવ સામે તેમની 5 હજાર રૂપિયાની બાઈક ચોરી કર્યાની ફરિયાદ આપી હતી. ચીખલી પોલીસે આત્મહત્યા કરનારા બંને શકમંદ યુવાનો સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ PSI જી. એસ. પટેલને સોંપી છે. જોકે સમગ્ર મુદ્દે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે સંવેદનશીલ ઘટના હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય જ કંઈક કહી શકશેનું જણાવ્યુ હતુ.
મૃત્યુ બાદ ચોરીનો ગુનો નોંધાતા અનેક તર્ક વિતર્ક
ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા કરનારા ડાંગના બે આદિવાસી યુવાનો સામે, તેમના મૃત્યુના બે દિવસ બાદ બાઈક ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ કાર્યવાહી સામે અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે. બંને શકમંદ યુવાનોએ 2 બાઈક ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યુ છે, પરંતુ ગત 19 અને 20 જુલાઈના રોજ એક પછી એક બંનેને પૂછપરછ માટે બોલાવ્યા હોવા છતાં પોલીસ મથકની સ્ટેશન ડાયરીમાં એક પણ નોંધ કરવામાં આવી ન હતી. તો ક્યાં આધારે પોલીસે બાઈક ચોરી મામલે બંને શકમંદ યુવાનોને આરોપી બતાવ્યા એ મોટો પ્રશ્નાર્થ છે.