- અજમો, કપૂર અને લવિંગની પોટલી બનાવી લોકોને નિ:શુલ્ક વિતરણ
- શાહ પરિવારે અત્યાર સુધીમાં બીલીમોરામાં 4,000 આયુર્વેદિક પોટલી વહેંચી
- અજમો, કપૂર અને લવિંગની સુગંધથી શરદી અને કફ થતો અટકાવવાનો પ્રયાસ
નવસારી: નવસારી જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે આયુર્વેદ સૌથી અકસીર સાબિત થાય એવી સંભાવનાઓ જોવાઈ રહી છે. શરદી-ખાંસી કે કફની સમસ્યા થતાની સાથે જ એનો ઈલાજ કરવામાં આવે, તો કોરોનાને પ્રારંભે જ અટકાવવામાં મદદ મળી શકે એવા વિચાર સાથે બીલીમોરાના શાહ પરિવારે અજમો, કપૂર અને લવિંગની નાની પોટલી બનાવી શહેરમાં નિ:શુલ્ક વિતરણ છે. અત્યાર સુધીમાં 4,000 જેટલી આયુર્વેદિક પોટલી લોકોને નિ:શુલ્ક વહેંચી સેવા યજ્ઞ આગળ ધપાવી રહ્યા છે.
આ પણ વાંચો: આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી દ્રાવણયુક્ત 50 હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાશે
કોરોનાને રોકવામાં આયુર્વેદિક ઔષધિઓ પણ કારગર
કોરોનાના પ્રારંભિક લક્ષણો શરદી, ખાંસી અને કફને થતા અટકાવવા માટે લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. જેમાં આયુર્વેદિક ઉકાળા સાથે અલગ-અલગ આયુર્વેદિક ઔષધીઓ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કારગર સાબિત થઈ રહી છે. ખાસ કરીને ઘરઘથ્થુ ઉપચારમાં લોકો અજમો, લવિંગ અને કપૂરનો ઉપયોગ શરદી, ખાંસીમાં કરતા હોય છે. બીલીમોરા શહેરના નિલેશભાઈ શાહ અને તેમના પરિવારે કોરોના કાળમાં લોકોને મદદરૂપ થવા માટેના વિચાર સાથે આયુર્વેદિક ગુણો ધરાવતા અજમાની સાથ કપૂર અને લવિંગ ભેળવી, તેની નાની પોટલી બનાવી, શહેરના બેન્ક, પેટ્રોલ પંપ, ડેપો, અર્બન સેન્ટર જેવા જાહેર સ્થળોએ આવતા લોકોને નિ:શુલ્ક વેચીને માનવતાનું કાર્ય આરંભ્યું છે. અત્યાર સુધીમાં શહેરમાં 4 હજારથી વધુ પોટલી શાહ પરિવારે વહેંચી છે.
આ પણ વાંચો: કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ આયુર્વેદિક દવા શોધાયાનો દાવો
શહેરના જાહેર સ્થળોએ જઈ, એના ઉપયોગની સમજ સાથે આયુર્વેદિક પોટલીનું વિતરણ
આયુર્વેદિક પોટલી બનાવવા પ્રથમ અજમાને શેકવામાં આવે છે, ત્યારબાદ તેની સાથે બે-ત્રણ કપૂર અને લવિંગ, એક આછા કપડામાં ભરીને પોટલી બનાવાઈ છે. જેને સમયાંતરે સુંઘતા રહેવાથી શરદી-કફમાં રાહત મળે છે અને પોટલી 4થી 6 દિવસ ચાલે છે. અંદાજે 5 રૂપિયાની પડતી આ આયુર્વેદિક પોટલી લોકોમાં ઘણી પ્રિય થઈ છે. આયુર્વેદિક પોટલીના વિતરણ બાદ પણ ઘણા લોકો શાહ પરિવાર પાસે આ આયુર્વેદિક પોટલીની ડિમાન્ડ કરી રહ્યા છે. જેથી શાહ પરિવારે અજમો, લવિંગ અને કપૂરની નાની-નાની પોટલીઓ બનાવવાનું ચાલુ જ રાખ્યું છે. જેથી શરદી, ખાંસી કે કફની સમસ્યા ઊભી થતાની સાથે જ તેનું નિવારણ કરવામાં આવે, તો કોરોનાને શરીરમાં પ્રવેશતા જ અટકાવી શકાય એવી આશા શાહ પરિવાર સેવી રહ્યો છે.