નવસારીઃ કોરોનાની મહામારીથી લોકોને બચાવવા ભારત સરકારે 21 દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. જેમાં શહેર અને ગામડાઓના રસ્તાઓ પર 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે દરમિયાન જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા જતાં પોલીસ સ્ટાફ પર પથ્થર ફેકાયો હતો. જેમાં મહિલાને ઓફિસર ગંભીર ઈજા પહોંચી હતી.
નવસારી જિલ્લા પોલોસ દ્વારા સમગ્ર જિલ્લામાં અંદાજે 100 પોઈન્ટ બનાવ્યા છે, જ્યાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને તેમના પોઇન્ટ પર જ ચા-નાસ્તા સાથે ભોજન મળી રહે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
ગુરુવારે રાતે વિજલપોર પોલીસ મથકની હદમાં આવેલા નવસારી તાલુકાના નવાગામ ગામે પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોને ફૂડ પેકેટ્સ આપવા ખાનગી વેનમાં નીકળેલા મહિલા ASI મીનાબેન ટંડેલ અને અન્ય ત્રણ હોમગાર્ડસ સાથે ગયા હતા. જ્યાંથી તેઓ ડાંભર ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે નવાગામના મુખ્ય રસ્તા પરથી પસાર થતી વેન ઉપર કોઈકે બ્લોકનો પથ્થર ફેંકી હુમલો કરતા ASIને માથામાં ઇજા થઇ હતી અને લોહી નીકળતા તેમને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વિજલપોર પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગામ આગેવાનો સાથે મળી હુમલાવરને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસે પકડ્યો હોવાની માહિતી મળી હતી.