નવસારીઃ ગણદેવી શહેરના પઠાણવાડમાં ગત અઠવાડિયાથી રાતના સમયે દુર્લભ એવું નિશાચર વનીયર (તાડ બિલાડી) બચ્ચા સાથે નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણદેવી વન વિભાગને ઘટનાની જાણ થતા એક મકાનની છત પર વનિયરને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું.
નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો બાગાયતી વિસ્તાર છે, ખાસ કરીને નદી, કોતરો વાળો વિસ્તાર હોવાથી અહીં વન્ય પ્રાણીઓ જોવા મળતા હતા. વનવગડામાં ફરતું વનિયર (તાડ બિલાડી) દુર્લભ પ્રજાતિનું સસ્તન પ્રાણી છે. લુપ્ત થવાને આરે આવેલા વનિયરની ગત અઠવાડીયાથી ગણદેવી શહેરમાં રાત્રી દરમિયાન અવર-જવર જોવા મળી રહી છે.
જેમાં મકાનોની છત પરથી આવન-જાવન કરતા વનિયરને કારણે લોકોમાં ભયનો માહોલ બન્યો છે. વનિયર દેખાવા મુદ્દે શહેરની પઠાણવાડ મસ્જિદના મેનેજીંગ ટ્રસ્ટી મોહંમદ સાદિક મુલ્લાએ ગત સોમવારે ગણદેવી વન વિભાગને લેખિત અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે પઠાણવાડ મહોલ્લામાં રોજ રાત્રે 10 કલાકે ખત્રીવાડ તરફથી વનિયર (વરણ) નામનું પ્રાણી નીકળે છે, જે પઠાણવાડ થઈને મકાનોની છત પરથી કાલુવાડ તરફ જાય છે.
જેની સાથે બચ્ચાઓ પણ છે, જેને જોઈ મહિલા અને બાળકોમાં ભયનો માહોલ છે. અરજીને ધ્યાને લીધા બાદ ગણદેવી વન વિભાગે બુધવારે સવારે વનિયર (તાડ બિલાડી) નાં આવવા-જવાના માર્ગ પર પઠાણવાડના એક મકાનની છત પર વનિયરને પકડવા મરઘાના મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, વનિયર (તાડ બિલાડી) એક નિશાચર અને ઘાતક પ્રાણી છે. જે પોતાના શિકારનું લોહી ચૂસી લેતી હોવાની લોકવાયકા પ્રચલિત છે. લાંબી પૂંછડીના કારણે, વનિયર વૃક્ષો કે મકાન પર સમતોલન જાળવી ઝડપભેર ચડ-ઉતર કરી શકે છે. પરિણામે તેને કુશળ શિકારી ગણવામાં આવે છે. રાત્રી દરમિયાન ઝગારા મારતી તેની આંખો ડરામણી હોય છે, જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.