- નવસારીમાં ચૂંટણી દરમિયાન પ્રથમ પક્ષ પલટો
- કોંગ્રેસના ગઢ સમાન નવી વસાહતમાં ભાજપે પાડ્યું ગાબડુ
- કોંગી કાર્યકરોને ધારાસભ્ય પિયુષ દેસાઇએ ભાજપી ખેસ પહેરાવી આવકાર્યા
નવસારી : વિજલપોર નગરપાલિકાની ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં જુનો વોર્ડ નં.-11 જે કોંગ્રેસનો ગઢ હતો, હદ વિસ્તરણ બાદ ત્રણ ગામોના જોડાણ સાથે વોર્ડ નં.-13 બન્યો છે. જેને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપ ગડમથલ કરી રહી હતી. ત્યારે આજે બુધવારે રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની કારમી હારની અસર નવસારીમાં જોવા મળી હતી.
50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ પંજાનો હાથ છોડ્યો
શહેરના વોર્ડ નં.-13 ના કોંગ્રેસી ગઢ એવા અને શ્રમિક વિસ્તાર તીઘરા નવી વસાહતમાંથી આજે 50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ પંજાનો હાથ છોડ્યો હતો. જેમને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ભાજપી આગેવાનોએ ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવસારી-વિજલપોર નગરપાલિકામાં પક્ષ પલટાની પ્રથમ ઘટના છે.