- 28 એપ્રિલથી શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ
- જિલ્લા કલેક્ટર દ્વારા 19 આવશ્યક પ્રવૃત્તિઓને છોડી તમામ દુકાનો બંધ રાખવા જાહેરનામું
- સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પાંચ વિરુદ્ધ કાર્યવાહી
નવસારી : વિજલપુર શહેરમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા 28 એપ્રિલથી શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. તથા દિવસ દરમિયાન પણ આવશ્યક ચીજ-વસ્તુઓને છોડી તમામ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર દ્વારા પણ 19 આવશ્યક પ્રવૃત્તિઓને છોડી તમામ દુકાનો બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો : જૂનાગઢની દાણાપીઠ બજારમાં ફરી જાહેર કરાયું 66 કલાકનું લોકડાઉન
પોલીસે ત્રણ દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરી
વિજલપુર શહેરમાં ઘણા લોકો જાહેરનામાને ધ્યાને ન લઇને પોતાની દુકાન ખોલી રહ્યા છે. જેમાં આજે નવસારી ટાઉન પોલીસ દ્વારા શહેરની લાઇબ્રેરી પાસે આવેલી જલારામ દાણા-ચણા, નાગરવાડ વિસ્તારમાં આવેલી ગુરૂ મોબાઇલ અને પાલિકા નજીક જવાહરલાલ નહેરૂ શોપિંગ સેન્ટરમાં આવેલ પૂજા પ્લાસ્ટિકની તેમ ત્રણ દુકાનો ખુલ્લી જણાતા કાર્યવાહી કરી હતી. પોલીસે ત્રણેય દુકાનદારો સામે જાહેરનામા ભંગનો ગુનો નોધી તેમની અટકાયત કરી હતી. જ્યારે નગરપાલિકાએ શાકમાર્કેટ બંધ કરાવીને મુખ્ય રસ્તા પર શાકભાજી વેચનારાઓ શાકભાજી વેચી રહ્યા છે. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવાતા પાંચ વ્યક્તિઓ સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોધી તેમની પણ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ડીસામાં કોરોનાની ચેઈન તોડવા ફરી 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન