- નવસારીના કાલિયાવાડી પાસે અચાનક ઢોર આવતા સર્જાયો હતો અકસ્માત
- વહેલી સવારે યુવાન પરીક્ષા આપવા જઇ રહ્યો હતો
- લાડકવાયાના મોતથી પરિવારજનોનો આક્રંદ સાથે વલોપાત
નવસારી: તાલુકાના ખડસુપા ગામે રહેતા વિશાલ હળપતિ કોમર્ષ ના ત્રીજા વર્ષમાં નવસારીની ગાર્ડા કોલેજમાં અભ્યાસ કરતો હતો. જેની હાલ પરીક્ષા ચાલતી હોવાના કારણે આજે (બુધવારે) વહેલી સવારે પોતાની બાઈક પર પરીક્ષા આપવા કોલેજ જઇ રહ્યો હતો. દરમિયાન નવસારીના ગ્રીડ રોડ પરથી પસાર થતા સમયે અચાનક કાલિયાવાડીની એ. બી. સ્કુલની સામે રખડતા ઢોર સામે આવી જતા, વિશાલ બાઈક સાથે જોરમાં ઢોર સાથે અથડાઈને રસ્તા પર પટકાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં વિશાલના માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનુ ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતુ. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી નવસારી ગ્રામ્ય પોલીસે મૃતક વિશાલના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પરિવારમાં શોક
પરિવારના લાડકવાયાના મોતની જાણ થતાં વિશાલની માતા સહિત પરિવારજનો નવસારી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં વિશાલને મૃત જોતા જ બહાર આક્રંદ સાથે કલ્પાંત કરતા આસપાસનું વાતાવરણ ગમગીન બન્યુ હતું. જેમાં પણ મૃતક વિશાલની માતાના વલોપાતથી પરિવારજનોને તેમને સાચવવામાં મુશ્કેલ બન્યા હતા.
પાલિકા પોતાનું પાંજરાપોળ બનાવશે - પાલિકા પ્રમુખ
સમગ્ર મુદ્દે નવસારી પાલિકા પ્રમુખે દુઃખ વ્યક્ત કરતા પાલિકાની કામગીરીની ગાથા ગાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 850 ઢોરો પકડ્યા હોકાએ સાથે જ ત્રણ પશુપાલકો સામે પોલીસ ફરિયાદ પણ કરી છે. જયારે શહેરમાં નવા જોડાયેલા ગામોમાં પાંજરાપોળ માટે જગ્યા શોધી, સરકારમાં મંજૂરી માટે મોકલ્યુ છે અને મંજૂરી મળતા પાલિકા વહેલી તકે પોતાનું પાંજરાપોળ બનાવશે.