નવસારી: શહેરમાં દારૂની લતે ચડેલા યુવાને દારૂની મહેફિલ માણ્યા બાદ બે મિત્રો વચ્ચે થયેલી માથાકૂટમાં મધ્યસ્થી બનતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વાત છે નવસારીના ઘેલખડીમાં રહેતા વિજય નાયકા અને તેના મિત્રોની. જેમાં દારૂની ટેવને કારણે વિજય ગત મંગળવારે ઘરેથી ગયા બાદ પરત ફર્યો ન હતો. તેમજ તેનો મૃતદેહ ગત ગુરૂવારે સવારે મફતલાલ મીલનાં સુકાયેલા તળાવમાંથી મળી આવ્યો હતો. વિજયના માથામાં અને શરીરે ઈજાઓ હોવાથી તેની હત્યાની આશંકા સેવાઈ રહી હતી. જે પોલીસ તપાસમાં સાચી ઠરી છે.
મિત્રો સાથે તળાવમાં દારૂની મહેફિલ વચ્ચે બે મિત્રો વિજય સોલંકી અને રવીન્દ્ર ગાયકવાડ વચ્ચે થયેલી માથાકૂટમાં વિજય મધ્યસ્થી થયો હતો અને બંનેને છોડાવ્યા હતા. જે વિજય સોલંકીને ગમ્યું ન હતું. દારૂ પીધા બાદ બધા ઘરે ગયા, પણ વિજય તળાવની પાળ પર બેસી રહ્યો હતો. ત્યારે આક્રોશિત વિજય સોલંકીએ તેને ધક્કો મારી પાળ પરથી 10 ફૂટ નીચે પાડી તેને માર માર માર્યો હતો. જેમાં ગભીર રીતે ઘવાયેલા વિજય નાયકાનું મોત થયુ હતું. જેની જાણ થતા જ જલાલપોર પોલીસે આરોપી વિજયને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસ ચોપડે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.