- મેડિકલ સર્ટિફિકેટ ન હોવા છતાં ચલાવી રહ્યો હતો દવાખાનું
- દવાખાનામાંથી 24 હજારથી વધુની દવાઓ પણ કરાઈ જપ્ત
- પોલીસે બોગસ ડોક્ટરની કરી ધરપકડ
નવસારી: જિલ્લામાં મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર્સ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા હોય છે. નવસારી શહેરના શ્રમિક વિસ્તારોમાં તેમજ જિલ્લાના ગામડાઓમાં બોગસ ડૉક્ટર્સ દવાખાના ચલાવતા જોવા મળી રહ્યા છે. આ તબક્કે નવસારી SOGએ બાતમીના આધારે અલીફ નગરમાંથી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: વડોદરાના ડભોઇ ટાઉન, ઇટોલા બાદ હવે પાદરામાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો
ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એક્ટ હેઠળ નોંધ્યો ગુનો
પોલીસને બાતમી મળી હતી કે, શહેરના વોર્ડ નંબર 13માં તીઘરા વિસ્તારમાં આવેલા અલીફ નગરમાં એક બોગસ ડૉક્ટર દવાખાનું ચલાવી રહ્યો છે. જેને આધારે પોલીસે નવસારી અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. અબ્દુલ્લા શેખને સાથે રાખી અલીફ નગરમાં દવાખાનું ચલાવતા 43 વર્ષીય શિવનારાયણ બલીરામ ચૌધરીના દવાખાનામાં છાપો માર્યો હતો. ડૉ. શિવનારાયણ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલ અને ઈન્ડિયન મેડિકલ કાઉન્સીલના કોઈપણ પ્રમાણપત્ર ન હતા. જ્યારે, મેડીકલ પ્રેક્ટિસ કરવા માટે પણ કોઈ ડિગ્રી પણ ન હતી. જેથી પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા બોગસ ડૉક્ટર શિવનારાયણ ચૌધરીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, ઘટના સ્થળેથી 24 હજારથી વધુની દવાનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એક્ટ હેઠળ નવસારી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરા ઇટોલા રેલવે ફાટક પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો
પોલીસે 7થી વધુ બોગસ ડૉક્ટર્સની કરી હતી ધરપકડ
નવસારી જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટર્સની ફરિયાદોને આધારે SOG પોલીસે આ અગાઉ પણ વિજલપોર વિસ્તાર સહિત જિલ્લામાંથી 7 બોગસ ડોક્ટર્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે ઘણીવાર પોલીસના હાથે પકડ્યા અને છૂટ્યા બાદ ફરી બોગસ ડૉક્ટર્સ પોતાના દવાખાના ધમધમતા કરી દે છે. જેથી લોકોના આરોગ્ય જોડે રમત રમતા આવા બોગસ ડૉક્ટર્સ સામે યોગ્ય કાર્યવાહી થાય એવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.