- અકસ્માતમાં બાળકો સાથે 10 લોકો ઈજાગ્રસ્ત
- મધ્યપ્રદેશના મજૂરો રક્ષાબંધનના તહેવાર માટે વતન પરત જઇ રહ્યા હતા
- ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
નવસારી : રક્ષાબંધનના તહેવાર પર પોતાના ગામ પરત ફરી રહેલા મૂળ મધ્યપ્રદેશના મજૂરોની કાર નેશનલ હાઇવે નંબર 48 પર ખડસુપા ઓવરબ્રિજ પર અચાનક પાછળથી કાળ બનીને આવેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે ચાલક, બાળકો સહિત 12 લોકોને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ 2 મહિલાના મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોને સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ખેડામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસ અડધી ચીરાઈ, 32ને ઈજા
પોતાના વતન જતા મજૂરોને નડ્યો અકસ્માત
મધ્યપ્રદેશના ઝાંબુવા જિલ્લાના નાથુસિંગ ભુરિયા અને તેમના સાથી મજૂરો ઘણા સમયથી નવસારી જિલ્લાના ચીખલી ખાતે પડાવ પર રહેતા હતા. આ દરમિયાન રક્ષાબંધન સહિતના તહેવારોને કારણે નાથુસિંગનો પરિવાર અને તેના સાથીઓ શુક્રવારે રાતે ચીખલીથી ઇકો કાર ભાડે કરી સુરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના ખડસુપા ઓવરબ્રિજ પાસે રાતે અંદાજે 11:30 વાગ્યાના સુમારે કારમાં ટેક્નિકલ ખામી સર્જાતા ચાલકે કાર બ્રિજ પર ઉભી રાખી હતી અને ખામી શું છે એ જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી તેજ ગતિએ આવેલા કોઈ અજાણ્યા ભારે વાહને કારમાં પાછળથી ટક્કર મારતા કાર ચગદાઈ ગઈ હતી.
સારવાર દરમિયાન 2 મહિલાના મોત
અકસ્માત બાદ કારમાં બેઠેલા મધ્યપ્રદેશના મજૂરો સાથે જ ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 22 વર્ષીય પ્રકાશ ગોરસિંગ ડામોરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું, જ્યારે કારમાં ફસાયેલા મજૂરોને રાહદારીઓ અને ગ્રામજનોએ મહા મહેનતે બહાર કાઢી, એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધુ 2 મહિલાના ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 મજૂરોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
![નવસારીમાં ઇકો કારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા 3 ના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-khadsupa-aksmat-avb-rtu-gj10031_21082021144631_2108f_1629537391_532.jpg)
આ પણ વાંચો : પાટણ નજીક ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 વર્ષીય બાળકી સહિત 3ના મોત, 3 ઈજાગ્રસ્ત
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
વિજલપોરના રામનગરમાં રહેતો ચાલક લોકેન્દ્રસિંગ કુશવાહા અને પિંકી નામની યુવતી નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.