- મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી જાહેરાત
- મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનોને પણ આપી સાંત્વના
- ઇકો પોઇન્ટના તળાવમાં બોટ પલટી જતા ત્રણ બાળકો સહિત 5 ના થયા હતા મોત
નવસારી : ચીખલી તાલુકાના સોલધરા ગામે આવેલા મામાનું ઘર ઇકો પોઇન્ટ ખાતે આવેલા તળાવમાં ડૂબીને મોતને ભેટેલા 5 લોકોને મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ઓવરલોડ બોટમાં 23 લોકો સવાર થતા સર્જાઇ હતી દુર્ઘટના
નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે આવેલા મોસાળમાં ઇકો પોઇન્ટ ખાતે ફરવા આવેલા સુરત, ચીખલી અને અમદાવાદના પરિવારો તળાવમાં બોટિંગની મજા માણવા ગયા હતા. જે દરમિયાન પ્લાસ્ટિકના પીપળાઓ પર લાકડાના પાટિયા બાંધીને બનાવેલા તરપા(બોટ)માં સવાર થયા હતા, પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધુ એટલે 23 લોકો સવાર થતા એક બાજુ નમી ગઈ હતી. બોટ તળાવમાં આગળ વધતાની સાથે જ કિનારાથી 8 ફૂટના અંતરે પલટી મારી ગઈ હતી. 15 ફૂટથી ઉંડા તળાવમાં પડતા જ લોકોએ બચાવ માટે બુમાબુમ કરી હતી અને 23માંથી 20 લોકોને બહાર કાઢી લેવાયા હતા, પરંતુ એક દોઢ વર્ષની બાળકી તેમજ સોની પરિવારના ભાઈ-બહેનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતા કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મુખ્ય પ્રધાને ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
બોટ પલટી જતા મોતની ઘટના બાદ મંગળવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમના દિવ્ય આત્માઓને માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે પરિવારજનોને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપેની પ્રાર્થના સાથે તમામ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.