- જિલ્લાના 05 તાલુકાઓમાં નોંધાયા કોરોનાના કેસો
- પોઝિટિવ કેસોની સંખ્યા વધતા જિલ્લામાં કોરોના સદી ફટકારવા તરફ
- આરોગ્ય વિભાગે રેપીડ ટેસ્ટ વધાર્યા
નવસારી: નવસારી જિલ્લામાં એક વર્ષ પછી પણ કોરોનાને કંટ્રોલમાં લેવા તંત્રને પરસેવો છૂટી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 15 દિવસોમાં રોજે-રોજ કોરોનાની સંખ્યા વધી રહી છે, ત્યારે આજે બુધવારે નવસારીમાં નવા 17 કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. પોઝિટિવ કેસોમાં વધારો થતા જિલ્લામાં કોરોના 77 પર પહોંચ્યો છે અને થોડા જ દિવસમાં સદી ફટકારે એવી સંભાવના સેવાઈ રહી છે. જોકે કોરોના સંક્રમણને કાબુમાં લેવા આરોગ્ય વિભાગ પણ એક્ટિવ બન્યું છે અને રેપીડ ટેસ્ટની સંખ્યા પણ વધારી છે.
આ પણ વાંચો: કોરોનાના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ
શહેર સાથે ગામડાઓમાં પણ કોરોના કેસોની સંખ્યામાં વધારો
કોરોના વાઈરસ નવસારીમાંથી ઘટતો જતો હતો. જે ફરી બમણી તાકાત સાથે પરત ફરી રહ્યો હોય એમ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પોઝિટિવ આવાવા માંડ્યા છે. બીજી તરફ જિલ્લાની બહાર આવન-જાવન કરતા લોકોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે શહેર સાથે જ ગામડાઓમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.
કોરોના દર્દીઓની સંખ્યા 77 પર પહોંચી
નવસારી જિલ્લાના 05 તાલુકાઓ મળી આજે બુધવારે કુલ 17 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં નવસારીમાં 06, જલાલપોરમાં 06, ચીખલીમાં 03 તેમજ ગણદેવી અને ખેરગામમાં 1-1 કેસો નોંધાયા હતા. જેની સાથે જ જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 77 પર પહોંચતા કોરોના થોડા દિવસોમાં જ સદી ફટકારે એવી સ્થિતિ બની છે.
આ પણ વાંચો: આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત
કોરોનાની સ્થિતિને જોતા કૃષિ યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
કોરોનાના વધતા કેસોને જોતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં જિલ્લાની સરહદો પર ચેકિંગ સાથે જ રેપીડ ટેસ્ટની સંખ્યા પણ વધારી છે સાથે જ સિવિલ હોસ્પિટલમાં 175 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. જયારે આગામી 07 એપ્રિલથી કૃષિ યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવશે.