- નવસારીના વોર્ડ નંબર 3માં રોગચાળો ફેલાવાના ભયને પગલે સ્થાનિકોએ કરી કોર્પોરેટરને રજૂઆત
- ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળતા દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની રાવ
- દુષિત પાણીના કારણે 10થી વધુ લોકોને થયા ઝાડા-ઉલ્ટી
- લાંબા સમયથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ, પણ નવસારી નગરપાલિકા નિષ્ક્રિય
નવસારી : શહેરના ઘણા વિસ્તારોમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા ( Drinking water problem ) રહી છે. ઓછા દબાણે કે પછી દૂષિત અને દુર્ગંધ મારતુ પાણી આવવાની ફરિયાદો પણ સમયાંતરે નવસારી નગરપાલિકા ( Navsari Municipality )માં સંભળાતી રહી છે, ત્યારે નવસારી શહેરના વોર્ડ નંબર 3ના ફુવારા નજીક આવેલા ઠક્કરબાપાવાસ વિસ્તારમાં પણ લાંબા સમયથી દૂષિત પાણી આવતુ હોવાની ફરિયાદો રહી છે. જેમા થોડા દિવસોથી ડ્રેનેજનું દૂષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા દૂષિત અને દુર્ગંધ મારતું આવી રહ્યું છે. આવું દૂષિત પાણી પીવાને કારણે વિસ્તારના લોકો બીમાર પડી રહ્યા છે અને ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. જેમાં બે-ચાર દિવસોમાં જ 10થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થતાં સારવાર લેવી પડી છે. ઘણા લોકોએ ઘરે રહીને સારવાર લીધી છે, તો 3થી 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિક કોર્પોરેટરે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગને કરી રજૂઆત
સમગ્ર મુદ્દે સ્થાનિકોએ ઠક્કરબાપાવાસના જ સ્થાનિક કોર્પોરેટર પ્રતીક્ષા રાઠોડને મળી દુર્ગંધયુક્ત પાણીને કારણે લોકો માંદા પડી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. આ સાથે જ વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી મળતું થાય તેવી માંગણી કરતા કોર્પોરેટર રાઠોડે તાત્કાલિક નવસારી નગરપાલિકા ( Navsari Municipality )ના વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગને જાણ કરીને ફોલ્ટ શોધી સમસ્યાનું ત્વરિત સમાધાન આવે, તે માટેની રજૂઆત કરી છે. જો કે, લાંબા સમયની સમસ્યા હોવા છતાં નવસારી નગરપાલિકા ( Navsari Municipality )ના વોટર વર્કસના અધિકારીઓ દ્વારા ધ્યાન ન અપાયું હોવાના આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે.
આરોગ્ય વિભાગે ઘરે-ઘરે પાણીના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી
ઠક્કરબાપાવાસમાં દૂષિત પાણીને કારણે ઝાડા-ઉલ્ટીના કેસ આવતા નવસારી આરોગ્ય વિભાગ ( Navsari Health Department ) સફાળે જાગ્યું છે. નવસારી આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારના 150થી વધુ ઘરમાં સર્વે કરી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે નવસારી નગરપાલિકા ( Navsari Municipality )ને પાણીની લાઇનનો ફોલ્ટ શોધી તેનું સમારકામ કરવા તેમજ ક્લોરોનેશનની કામગીરી કરવાની સૂચના આપાવામાં આવી છે. નવસારી આરોગ્ય વિભાગ ( Navsari Health Department )ની તપાસમાં વિસ્તારમાંથી કુલ 15 ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. જેથી નવસારી આરોગ્ય વિભાગ ( Navsari Health Department ) દ્વારા સર્વે કરીને પ્રાથમિક સારવાર આપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો -