નર્મદા નદીમાં રેતી માફિયાઓએ વિના પરવાનગીએ સરકારે લીઝ ન ફાળવી હોવા છતાં પણ ગેરકાયદેસર ખોદકામ ચાલુ કર્યું હતું. નદી વચ્ચે ઉપસી આવેલ બેટ સુધી જવા માટે બેફામ અને બેલગામ રેતી માફિયાઓએ નદીના પ્રવાહમાં પાઇપો મૂકીને તેના ઉપર રેતી ઠાલવીને નાનો પુલ બનાવી દેવાયો હતો. આ કારણે પાણી અવરોધાતા ભારે ગંદકી પણ જોવા મળી હતી. જેથી નર્મદા સ્નાને આવનારા શ્રદ્ધાળુઓને આવા ગંદા પ્રવાહમાં સ્નાન ની ફરજ પડી હતી. પુલ બનાવ્યા બાદ રેતી માફિયાઓને ખુલ્લું મેદાન મળી ગયું હતું અને વગર પરવાનગીએ ગેરકાયદેસર રેતી ઉલેચી હતી.
માનવામાં આવે છે કે, આવા તત્વોએ કરોડો રૂપિયાની રેતી સગેવગે કરી નાખી છે. જેના કારણે નદીમાં ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. આજે આ વાતની ફરિયાદ ડેડીયાપાડા ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી અધ્યક્ષ મહેશ વસાવા સુધી પહોંચતા જ ધારાસભ્ય પોતાના કાર્યકરો અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ બહાદુર વસાવાને સાથે રાખીને નર્મદા નદીના પટમાં પહોંચી ગયા હતા અને સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા સરકાર પાસે માંગ કરી છે અને તેમ છતાં પણ સરકાર પગલાં નહિ ભરે તો આંદોલનની ચીમકી પણ આપી છે. ત્યારે સવાલ એ થાય છે કે, જ્યારે રેતી માફિયાઓ જ્યારે નર્મદા માતાના પટમાંથી રેતી ઉલેચી રહયા હતા. તે પણ ગેરકાયદેસર તો પછી શા માટે તેઓને અટકાવીને પગલા ભરવામાં નથી આવ્યા.