સરકારે ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રસ્તો બનાવ્યો છે. જયારે અંકલેશ્વરથી રાજપીપળા અને રાજપીપળાથી ગરુડેશ્વર થઇ કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદાજિત 450 કરોડથી વધુ ખર્ચ કર્યો છે, ત્યારે પબ્લિક પાસેથી પૈસા વસુલ કરવા સરકાર દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે.
ટોલ પ્લાઝા હાલ ભાદરવા ગામ પાસે બની રહ્યું છે જેનું કામ ચાલુ છે, ત્યારે અંકલેશ્વરથી રાજપીપળા સુધીમાં પણ બીજું ટોલ ટેક્સ બને એવી હાલ શક્યતા દેખાઈ રહી છે. સુરત ભરૂચ તરફથી આવતા પ્રવાસીઓ અને અમદાવાદ વડોદરાથી વાયા રાજપીપળા આવતા પ્રવાસીઓ માટે ટોલટેક્સ બનાવાશે, પરંતુ હાલ ભાદરવા પાસે ટોલટેક્સ નાકું બની રહ્યું છે. જેનો વડોદરા અમદાવાદથી વાયા તિલકવાડા થઇને આવતા પ્રવાસીઓને બોજ પડશે. બીજી બાજુ મહારાષ્ટ્રથી વાયા બોડેલી થઇ મધ્ય પ્રદેશ જવા વાળા વાહનોને પણ આ ટોલ પ્લાઝામાં ટેક્સ ભરીને જવું પડશે.
ઉલ્લેખનિય છે કે, ટોલ ટેક્સ નાકામાં સ્થાનિક જિલ્લાને મુક્તિ આપવામાં આવતી હોય છે. નર્મદા જિલ્લાને પણ આ ભાદરવા પાસે બનતા ટોલ નાકા પર ફ્રીમાં અવરજવર કરવા દેવામાં આવે એટલું જ નહિ બીજે જ્યાં પણ ટોલ નાકા બને ત્યાં નર્મદા જિલ્લા GJ 2ને ફ્રી રાખવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.