નર્મદા : સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના એકતાનગર, કેવડિયા ખાતે 300 યાત્રિકોનો પ્રથમ પડાવ નર્મદા ટેન્ટસિટી 2 ખાતે વડોદરાથી બસ મારફતે આવી પહોંચ્યો હતો. તમિલનાડુના યાત્રિકોનો છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છ અને ફુલ આપી પ્રત્યેક યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો STSangamam : કેવિડયામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યાત્રીઓનું ભવ્ય સ્વાગત, મોંમાંથી સરી પડ્યાં આવા શબ્દો
આવકારથી ભાવવિભોર : આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં કેમ છો, મજામાં છો, બહુ મઝા આવી, નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો. સોમનાથ, દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી ભાવવિભોર બન્યા હતાં. આ અંગે ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે મુલાકાતીઓને અહીંના વિવિધ સાઇટસની મુલાકાત ઉપરાંત તેમના પરંપરાગત દક્ષિણ ભારતીય વાનગીઓના મેનુ રાખવામાં આવ્યાં છે તે ઉપરાંત આપણી ગુજરાતી જાણીતી વાનગીઓનો આસ્વાદ પણ તેઓને કરાવવામાં આવશે.
આ પણ વાંચો ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રીઓ ફર્યા ફેર ફૂદરડી
ત્રણ ગ્રુપમાં લીધી મુલાકાત : સૌરાષ્ટ્રિયન તમિલ મહેમાન પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરી હતી. જેમાં એકતા મોલ, વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરી હતી. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી 2 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. આ તકે તમિલ ટીમ કન્વીનર એ આર મહાલક્ષ્મીએ આ મુલાકાતો માટે આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઇની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળીને અમને બહુ જ આશ્ચર્ય થયું છે કે આવડી મોટી પ્રતિમા કેવી રીતે બનાવવામાં આવી હશે.
તમિળ મહેમાનોની સુવિધાનો ખ્યાલ રખાયો સૌરાષ્ટ્રિયન તમિલ મહેમાનોની આ મુલાકાત યાદગાર બની રહે અને અગવડ ન થાય તે માટે તેમની સાથે નર્મદા જિલ્લા તંત્રના અધિકારીઓ સતત હાજર રહ્યાં હતાં. બસમાં લવાયેલા યાત્રીઓને માઈક મારફતે તેઓને સ્થળની માહિતીઓ અને જરૂરી સૂચના તમિળ ભાષામાં આપવામાં આવી રહી હતી. મહેમાનોને એકતાગનરમાં વિવિધ પ્રોજેક્ટ નિહાળવા લઇ જવા માટે ઇલેક્ટ્રિક વાહનો, ઈકાર્ટ વાહનની સગવડ આપવામાં આવી હતી. જ્યારે તેઓની સલામતી માટે મુલાકાતના તમામ સ્થળોએ મેડિકલ ટીમો અને નર્મદા પોલીસ વિભાગ દ્વારા એસ્કોર્ટ સહિતની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી.