વિદેશ પ્રધાને એક પછી એક એમ ત્રણ ટ્વીટ કર્યા હતાં. તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને લખ્યુ હતું કે, 'મને જણાવતા આનંદ થાય છે કે અદ્વિતીય પ્રતિમા - “સ્ટેચ્યુ ઓફ યુનિટી”નો “SCO ની આઠ અજાયબીઓ” પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સમ્માન થી ચોક્કસપણે વધારે પ્રવાસીઓ અહીં આકર્ષિત થશે.'
આ સાથે તેમણે બીજુ એક ટ્વીટ કરી શાંઘાઈ કોર્પોરેશન વિશે માહિતી આપી હતી 'શાંઘાઈ કોઑપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)એ રશિયા અને ચીનનો સમાવેશ કરતું આઠ સભ્ય દેશોનું બનેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જેનો મુખ્ય ધ્યેય આપણા વિસ્તારમાં પરસ્પરનો વિશ્વાસ અને સંબંધ સુદૃઢ કરવાનો તથા શાંતિ, સલામતી અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે.'
182 મીટરની લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષે 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમારે થોડા સમય પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી ગણાવી હતી.
આ પ્રતિમાના નિર્માણ માટે ભારતના 7 લાખ ગામડાઓની માટી સહિત ખેડૂતોએ વાપરેલા લોખંડના ખેત ઓજાર પ્રતિકરૂપે એકત્ર કરવામાં આવ્યા હતા.