નર્મદા: 31 ડિસેમ્બરની ઉજવણી એટલે કે વીતેલા વર્ષને ભૂલી નવા વર્ષને આવકારવાનો દિવસ. તેના માટે લોકો મોટી હોટેલો, ફાર્મ હાઉસ કે ડિસ્કો ક્લબમાં જવાનો આગ્રહ રાખે છે, પરંતુ આ બધું જ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મળતા ગુજરાતવાસીઓ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતાનગરમાં નવા વર્ષની ઉજવણી કરવા આવી રહ્યા છે.
લાઇટિંગથી સજ્જ એકતાનગર: હાલ 2023ને બાયબાય કરવા અને 2024ને આવકારવા માટે આખું એકતાનગર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. એકતાનગરમાં પ્રવેશતા તમામ પ્રવાસીઓને ફોરેનમાં આવ્યા હોય એવા અહેસાસ થઇ રહ્યો છે. આખું એકતાનગર લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. તમામ ટેન્ટસિટી, હોટલો ફૂલ બુકીંગ થઇ ગયા છે. એકતાનગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
પ્રવાસીઓની સંખ્યા વધી: આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક આંકડો સામે આવ્યો છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ-વિદેશથી પોણા 2 કરોડ લોકો અહીં મુલાકાત કરી ચૂક્યા છે. માત્ર એક અઠવાડિયામાં 4 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે, જે એક વિક્રમજનક રેકોર્ડ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ પણ પ્રવાસીઓ માટે અવનવા પ્રોજેક્ટો બનાવી રહ્યા છે.
ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે ! ત્યારે કેવડિયા એ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે. દર વર્ષે કોઈપણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતાં હોય છે.