નર્મદાઃ ગુજરાત માટે ઉનાળાની કાળજાળ ગરમી અને કોરોનાના કહેરની વચ્ચે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં એક તરફ નિસર્ગ વાવાઝોડાની અસર છે અને બીજી બાજુ ચોમાસાના આગમનની તૈયારી છે, ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં ડેમમાં ઉપરવાસમાંથી મબલખ પાણી આવી રહ્યું છે.
ચોમાસાના આગમન પહેલાં જ ડેમમાં પુષ્કળ પાણી આવી જતા રાજ્યની ખેતી અને સિંચાઈ વ્યવસ્થાને જીવનદાન મળશે. ડેમમાં આવતું પાણી હાલમાં કેનાલમાં પણ છોડવામાં આવી રહ્યું છે. ડેમમા છેલ્લા 5 દિવસમાં 2 મીટર પાણીનો વધારો થયો છે.
હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.02 મીટર પર પહોંચી ગઇ છે. ડેમનું મહત્તમ લેવલ છે. તેના કરતાં આ સપાટી ધરખમ વધારો થયો છે, જ્યારે ઉનાળામાં પાણીનો પોકાર હોવાથી અને ચોમાસું બેઠવાની તૈયારીમાં હોવાથી આ વધારો ખૂબ જ મહત્ત્વનો છે.
સરદાર સરોવરની મહત્તમ સપાટી 121.92 મીટર છે. જો કે, ડેમમાં ગેટ મૂકાયા હોવાથી પાણી વધારે સંગ્રહ થઈ શકે છે. એટલે કે, હાલમાં ડેમમાં મહત્તમ સપાટી કરતાં 2 મીટર પાણી વધુ છે. આ પાણી ચોમાસું સક્રિય થાય ત્યાં સુધી જીવતદાન બની રહેશે અને આ વર્ષે પણ સરદાર સરોવર ઓવરફ્લો થાય તેવી શક્યતા છે.