નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના વિસ્તારમાં ડુંગરમાંથી વહેતી સુખી ખાડી ગભાણા ગામ પાસે નર્મદામાં મળે છે. જે છોટાઉદેપુરના નાસવાસી વિસ્તારમાંથી વહેતી આવે છે. છેલ્લા 4 દિવસથી વરસતા વરસાદને લઈને આ ખાડી બે કાંઠે વહેવા લાગી હતી. જેને કારણે આ ખાદીના કિનારે આવેલા ગામો અને એ ગામોના નાના ચેકડેમો, તળાવોમાં મગરો તણાઈ આવ્યા હતા. હવે પાણી ઓસરતાં આ મગરો દેખાઈ રહ્યા છે. કેટલાક ગામોમાં તો મગરો રહેણાંક વિસ્તારોમાં આવી ગયા હતા. જોકે જેતે ગામના સરપંચ અને ગામના આગેવાનોએ વન વિભાગને અને કેવડીયા કોલોની સંસ્થા વાઈલ્ડ સૅવિયર ક્લબ ટીમને જાણ કરતા ટીમના યુવાનો વિશાલ તડવી, સુનિલ શ્રીમાળી,રાહુલ તડવી, સુનિલ તડવી તથા પરેશ તડવી દોડી આવ્યા હતા અને અલગ-અલગ ગામોમાંથી રેસ્ક્યુ કરીને મગરો ઝડપી પાડી હતી. મગરો પકડીને હેમ ખેમ સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારના પાણીમાં સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યા હતા.
તાજેતરમાં ઉંડાવા, રોઝીયા, કેવડિયા, કોલોની થ્રિ બ્લોક, કોઠી સહીતના ગામમાં મગરો આવી ગયા હતા. રહેઠાણ સ્થળે, વાડામાં આ મગરો આવી જતા લોકોમાં ફાફળાટ ફેલાયો હતો. જોકે તમામ મગરો ઝડપી લઇ જવાતા ગ્રામજનોમાં હાશકારો થયો હતો.