નર્મદા: સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિસ્તારમાં હાલ તાર-ફેન્સીંગનું કામ ચાલી રહ્યું છે. જેનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવા વિનંતી કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિસ્તારમાં ફેન્સીંગ કામગીરીનો મુદ્દો હાલ રાષ્ટ્રીય કક્ષાએ ચમક્યો છે, ત્યારે આ મામલે ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાને એક વ્યક્તિએ ફોન પર મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો હતો.
ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાના જણાવ્યા મુજબ 2 જૂનના રોજ સાંજે એક વ્યક્તિએ ફોન કર્યો અને જણાવ્યું કે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદીવાસીઓ સાથે જે થઈ રહ્યું છે એ વહેલી તકે બંધ થવું જોઈએ આદિવાસીઓ સાથે જુલ્મ કેમ કરો છો તમે' એમ જણાવી મારી સાથે અસભ્ય ભાષામાં વાત કરી હતી.
આ સાથે એમણે એમ પણ જણાવ્યું હતું કે, ગણપત ભાઈ રબારી અને મનસુખ વસાવાને તીરથી વીંધી નાખીશું અને પાળિયાથી ટુકડા કરી નાખીશું. મને દિવસમાં પણ ઘણા આદિવાસી સંગઠનનો સાથે કામ કરતા લોકોના ફોન આવ્યા પણ એમણે મારી સાથે સારી ભાષામાં વાત કરી હતી.
તો આ મામલે મનસુખભાઈ વસાવાએ રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી હતી.
જો કે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફોન પર ધમકી આપનારા યુવાનને એની જ ભાષામાં જવાબ તો આપી દીધો હતો. પણ બીજી બાજુ આ ધમકી ભર્યા ફોનથી મનસુખ વસાવાના જીવને ખતરો છે એવું ચોક્કસ પણે કહી શકાય.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મનસુખભાઇ વસાવાએ જ્યારે આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ બાબતે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે પણ એમને ફોન પર ધમકીઓ મળી હતી, જો કે એ સમયે પોલીસે ધમકી આપનારાઓને ઝડપી પાડ્યા હતા. હવે એમને ફરીથી ધમકી આપનારાને પોલીસ ઝડપી પાડે છે કે કેમ એ જોવું રહ્યું.