શેરડી એ મીઠાસનું પ્રતિક છે. પરિવારમાં પ્રેમ અને લાગણીઓ અકબંધ રાખવા એકબીજા સાથે મીઠાસ રાખવી જરુરી છે. શહેરના સમૃધ્ધ લોકો બહેન અને ભાણેજને અપાતા ખીચડામાં તલના લાડુ, ગોળ,ચીકી, તલસાંકળી, ફળ ફળાદિ સહિત નીતનવી ખાઆપે છે પણ ગામડામાં રહેતો આદિવાસી ભાઈને આટલો ખર્ચો પોસાતો નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોક્ત ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ પણ નથી થતી. જેથી આદિવાસી વિસ્તારના લોકો પોતાના ભાણેજ અને બહેનોને શેરડીનું દાન કરી આ દિવસને અને પરંપરાને સાર્થક કરે છે અને મીઠાસને મહેકતી રાખે છે.
દાનનું મહત્વ સમજાવતા ભરતભાઈ વ્યાસે કહ્યુ હતું કે, ઉત્તરાયણમાં શેરડીમાં રહેલી મીઠાસની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાસ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે. શેરડીનું દાનને સો બ્રાહ્મણોને આપેલા દાન આપવા બરાબર ગણાઈ છે.ઉત્તરાયણમાં ભાઈ તરફથી મળતો ખીચડો બહેનોના મન છપ્પન જાતના પકવાનથી ઓછો નથી હોતો. ખીચડા રૂપે ભાઈ તરફથી જે પ્રેમ અને વ્હાલ મળે છે તે બહેનો માટે અનમોલ હોય છે. અને એટલે જ ઉત્તરાયણની પ્રતિક્ષા કરવી બહેનો અને ભાણેજને સૌથી વધુ ગમતુ અને સંતોષ આપતુ કામ હોય છે.