નર્મદાઃ ભાજપ નેતા કેતન ઈમાનદારે રાજીનામુ આપ્યા બાદ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવના રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી, ત્યારે વધુ એક નેતા મેદાનમાં ઉતર્યા છે. જેઓ આદિવાસીઓના હિતની વાત કરી રહ્યાં છે. લોકસભા સાંસદે નેતાઓના રાજીનામા અને આદિવાસી સાથે થતાં ભેદભાવ અંગે આકરુ વલણ બતાવતા લોકસેવાનો દેખાવ કરતાં નેતાની ઝાટકણી કાઢી હતી. આ સાથે આદિવાસીઓને પોતાના હક્ક માટે લડવાની હાકલ કરી હતી.
નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના દ્વારા આયોજિત કાર્યક્રમમાં મનસુખ વસાવા સહિત અનેક સ્થાનિક નેતાઓ હાજર રહ્યાં હતા.જ્યાં તેમણે ભાજપ નેતા કેતન ઈમાનદારે રાજીનામુ આપ્યા બાદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના રાજીનાના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "જેમને ખરેખર આદિવાસીઓની સેવા કરવી હોય તે જ આગળ આવે. બાકી દેખાડાના નેતાઓની કોઈ જરૂર નથી."
આદિવાસીઓના હક્કની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "હું ટ્રાઈબલ કમિશ્નરને પૂછવા માગુ છું કે, શા માટે તેમણે રદ કરેલા સર્ટિફિકેટને મંજૂર કર્યા? આ અન્યાય અમે તેની વિરુદ્ધ લડીશું અને અમારો હક્ક મેળવીને રહીશું. "
આમ, અધિકારીઓ વિશે વાત કરતાં મનસુખ વસાવાએ વહીવટી તંત્ર સામે પણ સવાલ ઉઠાવ્યાં હતા. આ સાથે આદિવાસીઓને પોતાના અધિકારો પ્રત્યે જાગ્રત થઈને પોતાની લડત લડવા હાકલ કરી હતી.