અમદાવાદમાં ગઈકાલે ઘટેલી દુઃખદ ઘટનામાં એક દીકરી રાજપીપળા નજીક આવેલ તરોપા ગામની મનાલી રજવાડી હતી. તેનું મોત આ ઘટનામાં નિપજ્યું હતું. મનાલી રજવાડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું હતું. જે બાદ તેના મૃતદેહને તેના પરિવારજનોને પરત કરવામાં આવ્યું હતું.
તેના મૃતદેહને જ્યારે ગામમાં લાવવામાં આવ્યું ત્યારે તરોપા ગામમાં કરૂણાંતિકા સર્જાઈ હતી અને સમગ્ર ગામ હિબકે ચડયું હતું. મનાલીના માતા પિતા અને સગાસંબંધીઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાથી અહીં આવીને ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી.આ ઘટના બાદ ગ્રામજનોમાં એક આક્રોશ હતો કે આમાં નિર્દોષ મનાલીનો શું વાંક હતો ? તે તો ફક્ત રજા માણવા અને મજા કરવા માટે તેના ફોઈને ત્યાં અમદાવાદ ગઈ હતી. પરંતુ તેનું અચાનક મૃત્યુ થયું ત્યારે તંત્ર ઉપર પણ આ તમામ ગ્રામજનોનો ખૂબ જ આક્રોશ હતો.
મનાલીના પિતા એ જણાવ્યું હતું કે, મારી દીકરી તો મેં ગુમાવી પરંતુ હવે પછી કોઈની પણ દીકરી કે લાડકવાયો ન ગુમાવાય તે માટે તંત્રે પૂરતી તકેદારી રાખવી જોઇએ. ખાસ કરીને આવા રાઈડ ચલાવવામાં આવતા હોય તો આ રાઇડની મરામત કરાવવી જોઈએ.
આ પ્રસંગે મૃતકના ફોઈને ત્યામ ઘરની સામે રહેતા તેના પડોશીએ જણાવ્યું હતું કે, અમે ઘટના બની ત્યારથી એલ.જી.હોસ્પિટલમાં હતા, ત્યાં સુધી અમને તંત્રએ કોઈ પણ જાતનો સહકાર આપ્યો ન હતો. તેમને આક્ષેપ પણ કર્યો હતો કે કોઈ મોટા નેતાની દીકરી કે દીકરો હોત તો તેમને સારી સવલત મળી હોત. અહીં સરકારશ્રીએ તમામ ચીજો મફત લાવવાનું કીધું હતું છતાં પણ અમારી પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવવામાં આવી હતી અને અમારી સાથે ઓરમાયું વર્તન કર્યું હતું.