નર્મદા : દિવાળીના તહેવારના સમયે લોકો ખરીદી અને તહેવારની ઉજવણી માટે બેંકમાંથી રૂપિયાની લેવડ દેવડ કરતા હોય છે. આદિવાસી વિસ્તારમાં મુખ્યત્વે પોસ્ટ ઓફિસ દ્વારા જ નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળામાં દિવાળી ટાણે તસ્કરી ગેંગે પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરી મોટી રકમની ચોરી કરી પોસ્ટ વિભાગ અને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા : આ અંગે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં જ્યારે કર્મચારીઓએ દરવાજા ખોલ્યા તો ઓફિસ અસ્તવ્યસ્ત હતી. જ્યારે તપાસ કરવામાં આવી તો આશરે રુ. 21 લાખ રોકડ ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, જિલ્લાની અન્ય તમામ પોસ્ટ ઓફિસમાંથી રોકડ રૂપિયાની માંગ ઉઠી હતી. આથી સોમવારે જિલ્લાની પોસ્ટ ઓફિસમાં રૂપિયા મોકલવાના હોવાથી રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રુ. 21,52,790 જેટલી મોટી રકમ કેશ રાખવામાં આવી હતી.
21 લાખથી વધુની રોકડ રકમ : રવિવારે પોસ્ટ માસ્ટર સહિતનો સ્ટાફ પોસ્ટ ઓફિસમાં કામથી આવ્યો ત્યારે ઓફિસમાં કંઈક અજુગતુ થયું હોવાનું જણાયું હતું. તપાસ કરતા ચોરી થયાની જાણ થઈ હતી. પોસ્ટ ઓફિસના સ્ટ્રોંગ રૂમમાં મોટી તિજોરીમાં રોકડ રકમ રાખવામાં આવી હતી. પોસ્ટ ઓફિસની તિજોરી અને પાછળની બારીના સળીયા કપાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેના આધારે પોસ્ટ ઓફિસની પાછલી બારી કટરથી કાપી તસ્કરો અંદર પ્રવેશ્યા હશે અને ગેસ કટરથી તિજોરી તોડી રોકડ રકમ ચોરી ગયા હોવાનો અંદાજ છે.
લ્યો ! CCTV જ નથી : આ ઘટના અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી તરફ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરના જણાવ્યા અનુસાર જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ હોવા છતાં અહીં સીસીટીવી કેમેરાની સુરક્ષા નથી. આ અંગે અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પગલાં ન લેવાતા હાલ આ ચોરીની ઘટના બન્યા બાદ પણ પોલીસ તંત્રના હાથ બંધાયેલા છે.