નર્મદા : લાંબા વિરામ બાદ પાછલા ત્રણ દિવસથી વરસાદ વરસતા નર્મદા નદીમાં પાણીની આવક વધી છે. નર્મદા અને ઉપરવાસમાં ભારે વરસાદથી ફરી પાણીનો વિપુલ જથ્થો છોડવાની શરુઆત થઈ છે. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીના વધુ પાણીને છોડવાની શરુઆત કરવામાં આવી છે. નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે.
ઈન્દિરા સાગર ડેમ : ઉપરવાસના ઈન્દિરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલવામાં આવ્યા છે. જેમાં પાવર હાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરુ થયું હતું. જેનાથી સરદાર સરોવરમાં પાણીની આવક વધી છે. હાલ પાણીની આવક 9 લાખ ક્યુસેક છે. જેના કારણે ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજરોજ બપોરના સમય દરમિયાન આ સીઝનમાં પહેલી વાર સરદાર સરોવર ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર ડેમ : નદીમાં પાણીની વિપુલ આવક થવાને લીધે નર્મદા સહિત વડોદરા જિલ્લાના કરજણ, શિનોર અને ડભોઇ ઉપરાંત ભરુચ જિલ્લાના નર્મદા નદી કાંઠાના ગામોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે હાલ નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 50 સેન્ટિમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.77 મીટરે પહોંચી છે.
ડેમની આંકડાકીય માહિતી : વહીવટી તંત્ર દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમની આંકડાકીય માહિતી આપવામાં આવી છે. જે મુજબ 1 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી. વધારા સાથે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર રહી હતી. હાલમાં ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરાંત 11,68,235 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
દરવાજા ખોલવામાં આવ્યા : પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.