અમિત શાહના ભવ્ય સ્વાગત માટે સેલવાસના સાયલી ખાતે ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાનાર આ કાર્યક્રમ માટે વેપારી એસોસિએશન, ઔદ્યોગિક એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.
આ અંગે વેપારી એસોસિએશનના પ્રમુખ શાંતિ પૂજારીએ જણાવ્યું હતું કે, અમિત શાહની ગૃહપ્રધાન બન્યા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રથમ મુલાકાત છે. જેને યાદગાર બનાવવા પ્રશાસક પ્રફુલ પટેલે અમને જવાબદારી સોંપી છે. જેને અમે અતિ ઉત્સાહથી નિભાવી છે.
કાર્યક્રમના સ્થળે કુલ ત્રણ મંડપ તૈયાર કરાયાં છે. એક લાખથી પણ વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમની માટે પાર્કિગની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા વિશેષ નૃત્ય તૈયાર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહના આગમનને લઈને સેલવાસ પોલીસ પણ સજ્જ બની છે. ગૃહપ્રધાનના બંદોબસ્ત માટે સેલવાસ, દમણ ઉપરાંત ગુજરાતની પોલીસ અને SRP, આર્મી જવાનો પણ તૈનાત રહેશે. જેમને કાર્યક્રમના એક દિવસ પહેલા ફરજના સ્થળ ફાળવવામાં આવ્યા હતા. અમિત શાહના કાર્યક્રમને લઈને સેલવાસના તમામ મુખ્ય માર્ગો પર મોટા બેનર લગાવી કેસરી ધજા સાથે શણગારવામાં આવ્યા છે.