મોરબી : વાંકાનેર પંથકમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. છાશવારે ગ્રામજનો દીપડાએ દેખા દીધી હોવાની માહિતી આપતા રહેતા હોય છે. ત્યારે ગત રાત્રીના દીઘલીયા ગામ નજીક ખેડૂતના વાડામાં દીપડો ત્રાટકયો હતો. જ્યાં વાડામાં બાંધેલ ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યું હતું. ફરી એકવાર દીપડાના હુમલાથી પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગતરાત્રીના દીપડાએ દેખા દીધી હતી અને ખેડૂતના વાડામાં બાંધેલ ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યાનું ધ્યાને આવ્યું છે. જેથી વન વિભાગની ટીમે પીંજરું મૂકી દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે. -- પ્રતિક નારોડીયા (RFO)
દીઘલીયામાં દીપડાનો આતંક : વાંકાનેરના દીઘડીયા ગામ નજીક રહેતા ખેડૂત ખોરજીયા નુરમહંમદ અલાઉદીનના વાડામાં ગત મધરાત્રીના સુમારે દીપડો આવી ચડ્યો હતો. દીપડાએ વાડામાં બાંધેલા ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યું હતું. એટલું જ નહીં વાડામાં બાંધેલા અન્ય ઘેટાં પર હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. પંથકમાં અવારનવાર દીપડો આવી ચડતો હોવાથી ગ્રામજનો ભય હેઠળ જીવી રહ્યાં છે. કોઈપણ સમયે દીપડો આવી હુમલો કરી દેતો હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તો માલધારી પરિવારોના માથે આફત વરસી રહી છે.
વાંકાનેર પંથકમાં ફફડાટ : આ બનાવ અંગે વન વિભાગના RFO પ્રતિક નારોડીયાએ જણાવ્યું હતું કે, ગતરાત્રીના દીપડાએ દેખા દીધી હતી અને ખેડૂતના વાડામાં બાંધેલ ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યાનું ધ્યાને આવ્યું છે. જેથી વન વિભાગની ટીમે પીંજરું મૂકી દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે.