વાંકાનેરઃ વઘાસીયાના નકલી ટોલનાકા પ્રકરણમાં ભાજપ અગ્રણી સહીત બેના આગોતરા જામીન નામંજૂર થયા છે. આરોપીઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી.
મોરબી કોર્ટે આગોતરા ફગાવ્યાઃ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે વ્હાઈટ હાઉસ સિરામિક ફેક્ટરી મામલે ભાજપ અગ્રણી અને ઉમિયાધામ પ્રમુખના પુત્ર વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમિયાધામ પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ ઉપરાંત ભાજપ અગ્રણી અને વઘાસિયા ગામનો સરપંચ ધર્મેન્દ્ર સિંહ ઝાલા તેમના નાનાભાઈ યુવરાજ સિંહ ઝાલાએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે મોરબી કોર્ટે આ જામીન અરજી ફગાવી દીધી છે. છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકાનો કાળો કારોબાર ધમધમતો હતો. જો કે દીવા નીચે અંધારુ કહેવત અનુસાર કાયદેસર ટોલનાકાની સામે જ ગેરકાયદેસર ટોલનાકુ કોની રહેમરાહે ધમધમતું હતું તેવો સવાલ પણ સૌ કરી રહ્યા છે.
પોલીસ ફરિયાદઃ નકલી ટોલકાનાના સમાચાર મીડિયામાં વાયરલ થતા પોલીસ તેમજ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સત્વરે પોલીસે ખુદ ફરિયાદી બનીને પાંચ આરોપી વિરુદ્ધ નામજોગ તેમજ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા કલેક્ટરની સૂચનાથી એસડીએમની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. જો કે આ સમગ્ર કૌભાંડમાં દસ દિવસથી વધુનો સમય થયો હોવા છતા પોલીસ હજૂ સુધી એકપણ આરોપીને પકડી શકી નથી.