મોરબીઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર જિલ્લામાંથી દારૂ પકડાવવાની ઘટના સામે આવી રહી છે. તેવામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પણ પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. આ સાથે રૂપિયા 31 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આ દારૂ ઝડપાયો હતો. આરઆર સેલની ટીમે દારૂ સાથે બે શખ્સની પણ ધરપકડ કરી હતી.
અમદવાદ-રાજકોટ નેશનલ હાઈવે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આર. આર. સેલની ટીમ વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ ટ્રક GJ-09-Z-6835 ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યો હતો. ટ્રકને ચેક કરતા ડ્રાઈવર લીલસિંહ ગુલાબસિંહ સોઢા (રહે. કાતલ્લા, તેહસીલ ચૌહટન, જિ. બાડમેર, રાજસ્થાન) તથા ક્લીનર રામસિંહ લાલસિંહ ભાટી (રહે. બીજેરી સંપૂર્ણ ગ્રામ તેહસિલ કોલાયત, જિ. બિકાનેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
સેન્ટિંગના સામાન નીચે છુપાવીને તેઓ રૂપિયા 21,81,540 કિંમતની 4404 નંગ વિદેશી દારૂની બોટલ લાવી રહ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સાથે રૂપિયા 10 લાખનો ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ અને સેન્ટિંગના સામાન સહિત કુલ રૂપિયા 31,92,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ બંને શખ્સ સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.