મોરબીઃ આર્મીના વાહનો તેમજ અન્ય મશીનરીને કચ્છથી જામનગર તરફ લાવવા અને લઇ જવા માટે સૌથી ટૂંકો રસ્તો જે છે તે મોરબી તાલુકાના આમરણ ગામ પાસેથી પસાર થાય છે અને આ રોડ ઉપરથી સામાન્ય રીતે કંડલા અને જામનગરનો હેવી ટ્રાફીક પસાર થતો હોય તે જોકે બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદ અને ડેમી નદીમાં પાણી આવવાના કારણે રસ્તા ઉપર પાણી આવી ગયુ હતું.
જેના લીધે બાઇક ચાલક તેનુ બાઇક લઇને જતો હતો તે સમયે આમરણ પાસે પુલ તૂટી ગયો હતો, જેથી કંડલા અને જામનગરનો મુખ્યમાર્ગ બંધ થઈ ગયો છે અને આ માર્ગ બંધ થયો હોવાના કારણે હાલમાં ટ્રક સહિતના વાહનચાલકોને પોતાના વાહનો મોરબીની પીપળીયા ચોકડીથી નવલખી ફાટક અને નવલખી ફાટકથી ટંકારા તેમજ ટંકારાથી ધ્રોલ થઈને જામનગર જાય છે અને તે લોકોને લગભગ 50 કિલોમીટરનો ફેરો વધી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ત્યારે લાગુ પડતા ગામના આગેવાનો દ્વારા એવી માંગણી વ્યક્ત કરવામાં આવી છે કે તાત્કાલિકના ધોરણે માર્ગ-મકાન વિભાગ દ્વારા પાઈપ મૂકીને પુલ રિપેર કરવામાં આવે અને રસ્તો પુનઃ કાર્યરત કરવામાં આવે નહીં તો ઘણા ગામના લોકોને મોરબી અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કંડલા તેમજ જામનગર જતા અને આવતા વાહન ચાલકો પણ હેરાન છે.