મોરબીમાં જાગૃત મહિલાઓએ એકત્ર થઈને એક મંડળની રચના કરી છે અને સતત ઘરકામમાં વ્યસ્ત રહેતી મહિલાઓએ સપ્તાહમાં એક દિવસ સફાઈ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. જે સંકલ્પ અનુસાર જાગૃત મહિલાઓએ રવાપર રોડ પરની સોસાયટી તેમજ જાહેર માર્ગો પર સફાઈ અભિયાન ચલાવ્યું હતું. તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને શહેરને સ્વચ્છ બનાવવા સૌ કોઈ જાગૃત બને તેવી અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મોરબીમાં ડોક્ટરોએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યા બાદ નાગરિકો, યુવાનો, વડીલો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને બે માસથી વધુ સમયથી સફાઈ અભિયાન ચલાવે છે. ત્યારે મહિલાઓ પણ પાછળ કેમ રહી જાય. મોરબીની જાગૃત મહિલાઓએ પણ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું બીડું ઝડપ્યું છે અને મોરબીને સ્વચ્છ બનાવવાની નેમ લીધી છે.