સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની પારાયણ જોવા મળે છે, ત્યારે વાંકાનેર પંથકમાં પણ અપૂરતા વરસાદથી જળાશયો ખાલી થવાને આરે છે અને પીવાનું પૂરતું પાણી મળતું ન હોવાથી વાંકાનેર પંથકમાં અમુક શખ્સો દ્વારા ખુલ્લેઆમ પાણી ચોરી કરતાં હોવાની અવાર નવાર ફરિયાદો ઉઠવા પામી હતી.
જેથી વાંકાનેર પાણી પૂરવઠા વિભાગના ડેપ્યુટી એન્જીનિયર એમ. એમ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવજીભાઈ, દિનેશભાઈ પ્રજાપતી ,અશોકભાઈ મકવાણા, ફિરોજભાઈ કટીયા, અકબરભાઈ મોવર સહિતની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને સમગ્ર વિસ્તારને ખુંદી નાખતા વાંકાનેરના જાલી, દેરાળા રાજેસ્થાળી, ગાંગીયાવદર, મોરથરા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ઓચિંતા ચેકીંગ હાથ ધરતા 140 જગ્યાએ પાણી ચોરી પકડાઇ હતી.
તંત્રની કાર્યવાહીને પગલે પાણીચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તેમજ આ ઝુંબેશ આગમી દિવસોમાં ચાલુ રહે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.જોકે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીચોરી રોકવા પગલા લેવામાં આવ્યા છે.પરંતુ બીજી તરફ વાંકાનેર નગરપાલિકા શહેરી વિસ્તારમાં પાણીચોરી કે પાણીનો વેડફાટ રોકવા કોઈ પગલા લેતી નથી. આથી નાગરિકોમાં આ અંગે અલગ અલગ ચર્ચા જોવા મળી રહી છે