મોરબી: હળવદ તાલુકાના કડીયાણા ગામે મકાનની દીવાલ ધસી પડતાં ચાર ભેંસો અને બે પાડી મળી કુલ છ ભેંસોના મોત થયા છે. દીવાલ ધસી પડવાને કારણે ભેંસોના મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના કડિયાણા ગામે રહેતા રાણાભાઈ કરમશીભાઈ ભરવાડ કે જેઓ વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓની ચાર ભેંસો અને બે પાડી ગામમાં આવેલા સવાભાઈ બલુભાઈના મકાન પાસે ઊભી હતી. તે વેળાએ મકાનની દીવાલ ધસી પડતાં ચાર ભેંસો અને બે પાડીનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.
આ ભેંસોના મૃતદેહને કાઢવા માટે જેસીબીની પણ મદદ લેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પશુપાલક રાણાભાઇ રાજ્ય સરકાર તરફથી સહાય કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.