મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા અધિક કલેક્ટર કેતન જોષીને લેખિત અરજી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની સંખ્યા હાલ 35 છે, જે વધારીને 100 કરવી જોઇએ. સફાઈ કામદારોની સંખ્યા 365 છે જે 700 કરવી, ડોર ટુ ડોર કલેક્શનના વાહનો સવાર-સાંજ નિયમિત આવે તેવી વ્યવસ્થા કરવી, સ્વચ્છતા માટે ઓનલાઈન ફરિયાદ કરી શકાય તે માટે વોટ્સએપ નંબર જાહેર કરવાની માગ કરી છે. તે ઉપરાંત સંપૂર્ણ મોનીટરીંગ ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવે.
શહેરના રહેણાંક વિસ્તારોમાં જે ખુલ્લા પ્લોટ છે ત્યાં કચરાના ઢગલા ખુલ્લા પડ્યા છે, ત્યાં બાંધકામની મંજુરી આપી રહેણાંક વિસ્તાર બને તો કચરાનું પ્રમાણ ઘટશે. વધુમાં જણાવ્યું કે, શહેરમાં ખુલ્લી ગટર છે, જેમાં નવી ડ્રેનેજ લાઈનો નાખી બોક્સ ટાઈપ પેક કરવામાં આવે. શહેરમાં કચરાના ઢગલા પડ્યા છે ત્યાં મોટી હાઈડ્રોલીક કચરા પેટી મુકવામાં આવે. રખડતા ઢોરોનો ત્રાસ પણ વધુ છે. તેમજ નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડના ડિવાઈડર તોડીને વૃક્ષો ઉગાડવામાં આવે.
કચરો ફેંકનાર વેપારીઓને દંડ કરવામાં આવે, રવાપર રોડની બાજુમાં નીકળતી મચ્છુ કેનાલ જે કચરાનું ઘર કહેવાય છે એ કેનાલ પર બોક્સ ટાઈપ બનાવી પેક કરવામાં આવે. નગર દરવાજાની બાજુના વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી રોગચાળો ફેલાવવાની સંભાવના છે. આ તમામ મુદ્દે યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આમ થાય તો શહેરના વિવિધ વિસ્તારમાં ગંદકી, ભૂગર્ભના પ્રશ્નો મામલે સૂચનો આપી શહેરની કાયા પલટ થઈ શકે છે. જેથી આ સૂચનોને અમલી બનાવવાની માંગ કરાઈ છે.