મોરબી: ઓરેવા ટ્રસ્ટે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, ટ્રસ્ટ દ્વારા 10 જાન્યુઆરીના રોજ પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2001માં ભૂકંપ સમયે મોરબીના ઝૂલતા પુલને નુકસાન થયું હતું. તે સમયે સરકાર દ્વારા અને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ડેમેજ થયેલા ઐતિહાસિક વારસાને રીપેરીંગ, જાળવણી અને મેન્ટેનન્સ માટે જણાવેલા આ ઝૂલતો પુલ અને વાઘમહેલ (મણીમંદિર)ને સરકાર તરફથી પ્રાઇવેટ ટ્રસ્ટ અથવા કંપનીને એગ્રીમેન્ટ દ્વારા સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી પ્રાઈવેટ કંપની તેનું મેન્ટેનન્સ, સિક્યોરીટી અને લોક ઉપયોગ માટે વારસાને જાળવી રાખે. આ અંતર્ગત મોરબીને મહારાણી સાહેબા અને ઓરેવાને ઝૂલતો પુલ સોપવાનું સરકાર અને જિલ્લા કલેક્ટર રાજકોટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર રાજકોટ તરફથી તે સમય દરમિયાન અન્ય ઐતિહાસિક ઈમારતો, સ્મારકો PPPના ધોરણે નક્કી કરીને રાજકોટ જિલ્લામાં આવેલા વિવિધ વ્યક્તિઓને સોપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ઝૂલતા પુલને ઓરેવા ગ્રુપને સોંપવા અંગે ગાંધીનગરથી કલેક્ટરને કહેવામાં આવ્યું હતું.
ઓરેવા ગૃપ ઝૂલતો પુલ સરકારને પરત સોંપવા માટે છાસવારે રજૂઆત કરે છે, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. ઓરેવા ગૃપનું કહેવું છે કે, મેઈન્ટેનન્સ તેમને પરવળતું નથી અને સરકાર દ્વારા આપવામાં આવેલો 1 વર્ષનો કોન્ટ્રેક્ટ પણ 26 જાન્યૂઆરીએ પૂર્ણ થાય છે. જેથી હવે તે સરકારને પરત પુલ સોંપવા માટે રજૂઆત કરે છે.