મોરબીના નીચી માંડલ પાસે આવેલી એક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સાત વર્ષની દિકરી બપોરના સુમારે રમવા જવાનું કહીને ગઈ હતી. બાદમાં જમવા સમયે તેને શોધતા આસપાસ દેખાઈ ન હતી.
મજૂરોની ઓરડીમાં રહેતો આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રાસાદ રહેવાસી મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી નામનો નરાધમ તેમની સાત વર્ષની દિકરીને રૂમમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. દિકરીના પિતાએ રૂમનો દરવાજો ખોલતા આરોપી નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે આધારે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરાઈ છે.
માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી હવસખોર શખ્સ તેને પોતાની ઓરડીમાં લઇ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના માતાપિતા આવી જતા હવસખોર નાસી ગયો હતો. ઓરડીમાં જોતા માતાપિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેની ફૂલ જેવી માસૂમ બાળકી રડતી હતી, જેના ગુપ્ત ભાગમાંથી લોહી વહેતું હતું અને ગાલ પર બચકાના ગંભીર જખ્મો હતા. બાળકીને પ્રથમ મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાના રીપોર્ટ બાદ દુષ્કર્મનો ગુનો નોંધી તાલુકા પોલીસે આરોપીને ઝડપી લેવા તાજવીજ હાથ ધરી હતી. જેમાં સિરામિક ફેક્ટરી નજીકથી આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રસાદની ધરપકડ કરાઈ છે.
સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગથી વિશ્વમાં નામના કમાયેલ મોરબી જે ઓદ્યોગિક નગરી કહેવાતી હતી. તે હવે ક્રાઈમ નગરી બની ગઈ છે, શહેરમાં દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે. જો કે દુષ્કર્મના ગુના બાદ તુરંત હરકતમાં આવેલી તાલુકા પોલીસ ટીમે આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે, પરંતુ દુષ્કર્મના વધતા બનાવોથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. આવા નરાધમોને કડક સજાની માંગ ઉઠી રહી છે.