- ગુજરાત વિધાનસભાની મોરબી બેઠકની પેટા ચૂંટણી
- પેટા ચૂંટણીમાં રોકડની હેરફેર અને ઉમેદવારે કરવાના ખર્ચ અંગે પત્રકાર પરિષદ યોજાઈ
- ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂપિયા 28 લાખ નક્કી કરાઈ
મોરબી: આજે મંગળવારે મોરબી કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખર્ચ ઓબ્ઝર્વર ભરત અંધાલે દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને કોઈપણ ઉમેદવાર પોતાના વાહનમાં રૂપિયા 50 હજારથી વધુની રોકડ રકમ સાથે લઇ જઈ શકેશે નહીં. ઉપરાંત ખેડૂત, ઉદ્યોગપતિ કે વેપારી રૂપિયા 10 લાખથી વધુની રોકડ રકમ પોતાની સાથે લઇ જઈ શકશે નહીં.
ખેડૂતોએ વેચેલા માલની રસીદ સાથે રાખવી ફરજિયાત રહેશે
હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો પાકનું વેચાણ કરતા હોય છે. જેથી ખેડૂતોએ વેચેલા માલની રસીદ સાથે રાખવી ફરજિયાત રહેશે. જોકે 10 લાખથી વધુની રોકડ રકમ કોઇપણ પોતાની સાથે રાખી શકશે નહીં. જો મર્યાદા કરતાં વધુ રકમ સાથે કોઈ ઝડપાશે તો IT વિભાગ તેની તપાસ કરશે. કોઈપણ નાગરિકે પોતાની પાસે રહેલી રોકડ રકમ અંગે હિસાબ રજૂ કરવાના રહેશે.
ઉમેદવારોના ખર્ચ પર ચાંપતી નજર રખાશે
મોરબીમાં 6 ફ્લાઈંગ સ્કવોડ અને 6 સર્વેલન્સ ટીમ કાર્યરત કરાઈ છે. જે 24X7 કાર્યરત રહેશે. આ ઉપરાંત ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂપિયા 28 લાખ નક્કી કરવામાં આવી છે. તમામ રોકડ રકમની હેરફેર તેમજ ઉમેદવારના ખર્ચ પર ચાંપતી નજર રાખવામાં આવશે. જો કોઈ નાગિરકને આ અંગે કોઈ ફરિયાદ કરવી હોય તો સર્કીટ હાઉસ ખાતે ખર્ચ ઓબ્ઝર્વરને રૂબરૂ મળી ફરિયાદ કરી શકાશે.