પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામા આવ્યુ છે. ત્યારે, મોરબી માળીયાના માજી ધારાસભ્યના દિકરા પ્રથમ અમૃતિયાએ આ અભિયાન મોરબી શહેરમાં વધુ અસરકારક નીવડે અને લોકો સ્વંય જાગૃત થઈને પ્લાસ્ટિકનો વપરાશ ટાળે તેવા હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તેમજ મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નારા લગાવ્યા હતા. પ્લાસ્ટિક મુક્ત મોરબીના નારાથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા.
શહેરના નહેરુ ગેટ ચોકમાં વિદ્યાર્થીઓની સભાને સંબોધતા માજી ધારાસભ્યે લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે તેમના દીકરા પ્રથમે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આગામી દિવસોમાં જો પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ નહી કરવામાં આવે તો તેના માઠા પરિણામો આવે તેવી શક્યતા છે. જેથી જમીનના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવે તે જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે.