નાગરિકોના આરોગ્યની સુખાકારી જળવાઇ રહે તેમજ તંદુરસ્ત વાતાવરણ મળી રહે તે માટે વાંકાનેર પાલિકાએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2016 અંતર્ગત પ્લાસ્ટિક કચરાનું નિયંત્રણ કરવા અને સરકારના સંપૂર્ણ સ્વચ્છ ભારતના અભિયાનને સાર્થક બનાવવાના પ્રયત્નોમાં લાગી ગઇ છે.
વાંકાનેર શહેરમાં જાહેર રસ્તા, રહેણાંક વિસ્તારો, વાણીજ્ય એકમો તથા ખાણીપીણી , ચા કોફીની લારીઓ, દુકાનો તથા અન્ય એકમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પ્લાસ્ટિકના કપ, થેલીઓ, પાન મસાલાના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક રેપર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે ઘણીવાર સરકારી ધારા ધોરણો અનુસાર તેનું ઉત્પાદન થતું હોતું નથી. ત્યારે આવી હલકી ગુણવત્તા વાળા પ્લાસ્ટિક પેંકિગ વેસ્ટેજનો યોગ્ય નિકાલ ન થવાથી કચરો ફસાઇ જાય છે. કચરો એકત્રિત થવાને લીધે પાણીનું યોગ્ય વહન થતું નથી અને પાણીનો ભરાવો થાય છે. તેમજ વરસાદી ગટર પણ ચોકઅપ થાય છે.
આથી 51 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટિક ઉપર, ખાદ્ય પદાર્થની પેેકિંગમાં વપરાતા પોલીથીન તથા મલ્ટી લેયર પોલીથીન પર અને ચાની પ્લાસ્ટિક પ્યાલી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ખરીદનાર અને વેચનારે પણ આ બાબત ધ્યાનમાં લેવાની રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે, આ જાહેર નોટીસનું ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત ન.પા. સંદર્ભ 1963ની કલમ 192 હેઠળ તેમજ અન્ય જોગવાઇ હેઠળ પગલા લેવામાં આવશે અને જરુરી જણાય તો CRPCની કલમ 133 હેઠળ જાહેર ન્યુસન્સ ઊભી કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચીફ ઑફિસરે જણાવ્યું છે.