મોરબી નજીક આવેલા નાની વાવડી ગામમાં બેંકની સુવિધા નથી જેથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગામના આગેવાનોએ જિલ્લા કલેકટર તેમજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને રજૂઆત કરીને ગામને બેંકની સુવિધા આપવાની માંગ કરી છે
મોરબીના નાની વાવડી ગ્રામ પંચાયત દ્વારા આજે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જિલ્લા કલેકટર, જિલ્લા લીડ બેંક મેનેજર અને રાજ્યના મુખ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, નાની વાવડી ગામની 11000 જેટલી વસ્તી છે અને ગામમાં 4458 જેટલું મતદાન થાય છે. છતા પણ નાની વાવડી ગામના લોકો બેંકની સુવિધાથી દુર છે.ત્યારે વજેપર અને માધાપર વિસ્તારમાં પાણી પુરવઠો પણ નાની વાવડી ગામ પૂરો પાડે છે, તેમજ આસપાસના વિસ્તારો મળીને કુલ 1100 થી વધુ મકાનો છે. પરંતુ ગામમાં બેંકની સુવિધા નથી. બગથળા ગામની બેંક આઠ કિલોમીટર દુર છે તો મોરબી શહેર 7 કિમી દુર છે જેથી બેંકના કામકાજ માટે મહિલાઓ અને વૃધ્ધોને તથા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે અગવડતાનો સામનો કરવો પડે છે. જેથી નાની વાવડી ગામે બેંકની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.